<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

ઓસ્‍ટ્રેલિયાની જેમ ભારતમાં બાળકોના માનસિક સ્‍વાસ્‍થ્‍ય અને સુરક્ષા માટે કાયદો બનાવવાની જરૂર

મોબાઇલ ઉપર સતત સ્‍ક્રીન ટાઇમને લીધે બાળકોના અભ્‍યાસ અને સામાજિક વિકાસ ઉપર ગંભીર અને નકારાત્‍મક અસરો જોવા મળી રહી છેઃ રામદેવભાઇ મોઢવાડિયા

પોરબંદરઃ તા.૧૩:  હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે,તાજેતરમાં ઓસ્‍ટ્રેલિયન સરકારે બાળકોના ડિજિટલ કલ્‍યાણ અને માનસિક સ્‍વાસ્‍થ્‍યની સુરક્ષા માટે એક અત્‍યંત મહત્‍વપુર્ણ અને પ્રશંસનીય નિર્ણય લીધો છે. આ નવા કાયદા મુજબ, ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો ફેસબુક, ઇન્‍સ્‍ટાગ્રામ, ટિકટોક અનેસ્‍નેપચેટ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મનો ઉપયોગ માતા-પિતાની સંમતિ વિના કરી શકશે નહીં.ઓસ્‍ટ્રેલિયાએ ડિજિટલ વિશ્વમાં બાળકોના ભવિષ્‍યને સુરક્ષિત કરવા માટે જે કડક વલણ અપનાવ્‍યું છે, તે સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ પૂરૂ પાડે છે. ભારતમાં આવો કાયદો લાવવાની જરૂર છે.

ભારત વિશ્વમાં સૌથી વધુ યુવા વસ્‍તી અને ઇન્‍ટરનેટ વપરાશકર્તાઓ ધરાવતો દેશ છે. અહીં ચિંતાજનક રીતે, ખૂબ નાની ઉંમરના બાળકો પણ સોશિયલ મીડિયાના વ્‍યસની બની રહ્યા છે. આ પ્‍લેટફોર્મ્‍સ પર ઉપલબ્‍ધ હાનિકારક સામગ્રી, સાયબર બુલિંગ અને સતત સ્‍ક્રીન ટાઈમના કારણે બાળકોના માનસિક સ્‍વાસ્‍થ્‍ય, અભ્‍યાસ અને સામાજિક વિકાસ પર ગંભીર નકારાત્‍મક અસરો જોવા મળી રહી છે.બાળકોનું કોમળ મન ઓનલાઇન વિશ્વના જોખમોને પારખી શકતું નથી.આ સંદર્ભમાં, ઓસ્‍ટ્રેલિયાના મોડેલને અનુસરીને, ભારત સરકારે પણ તાત્‍કાલિક પગલાં લેવાની જરૂર છે.

 ભારતમાં પણ ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્‍ટ ખોલવા પર કડક નિયંત્રણો લાદવામાં આવે. કોઈપણ પ્‍લેટફોર્મ પર એકાઉન્‍ટ બનાવવા માટે માતા-પિતાની સ્‍પષ્ટ સંમતિ અને ઓળખની ચકાસણી ફરજીયાત હોવી જોઈએ.તેમ રામદેવભાઇ મોઢવાડિયાએ જણાવેલ છે. 

(10:08 AM IST)