News of Friday, 14th November 2025
લગ્નના એક મહિનામાં પિયર જવાની ના પાડતા ધ્રોલમાં ખાખરામાં પરિણીતાનો આપઘાત
પરપ્રાંતીય પરિવારમાં અરેરાટીઃ ખેત મજૂરી કરતી યુવતિએ ઝેરી દવા ગટગટાવી લીધી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૧૪ :.. ધ્રોલ તાલુકાના ખાખરા ગામેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં માત્ર એક મહિના પહેલાં લગ્નગ્રંથિથી જોડાયેલી એક નવવિવાહિત યુવતીએ પતિએ પિયર જવાની ના પાડતાં મનમાં લાગી આવવાથી ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી
ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત બુધવારે (તા. ૧૨/૧૧/૨૦૨૫) ના રોજ એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે, જેમાં માત્ર એક મહિના પહેલા જ લગ્ન કરનાર ૨૫ વર્ષીય પરણિતાએ પતિએ માવતરે જવાની ના પાડતાં મનમાં લાગી આવવાથી ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મળત્યુ (અ.મોત) નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આ બનાવ ધ્રોલ તાલુકાના ખાખરા ગામે સાવજુભા લખુભા જાડેજાની વાડીએ બન્યો હતો. મૂળ દાહોદ જિલ્લાના ચોરબારીયા ગામના વતની અને હાલ ખાખરા ગામે ખેત મજૂરી કરી રહેલા વિનોદભાઈ માનસિંગ વહુનીયા અને તેમના પત્ની સોનલબેન (ઉ.વ. ૨૫) ના લગ્નને હજુ આશરે એક માસ જેટલો જ સમય થયો હતો.
બનાવના દિવસે, વિનોદભાઈ, તેમના ભાઈ અને ભાભી ખેતરના શેઠની મગફળી થ્રેસરમાં કાઢવા ગયા હતા, જ્યારે સોનલબેન વાડીએ એકલા હતા.
બપોરના આશરે એક વાગ્યાના અરસામાં વિનોદભાઈ વાડીએ પાણી ભરવા આવ્યા ત્યારે સોનલબેન તેમની પાસે ગયા હતા અને પોતાના માવતરે (પિયર) આટો મારી આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, તેમના પતિ વિનોદભાઈએ અત્યારે માવતરે જવાની ના પાડી હતી.
પતિના આ જવાબથી સોનલબેનને મનમાં ખૂબ જ લાગી આવ્યું હતું. આ મનદુઃખના કારણે તેમણે વાડીની ઓરડીમાં રાખેલ ઝેરી દવાના ડબલામાંથી દવા પી લીધી હતી.
ઝેરી દવા પી લીધા બાદ સોનલબેનને તાત્કાલિક સારવાર માટે બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન જ ફરજ પરના ડોકટરે તેમને મરણ ગયેલા જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મળતકના પતિ વિનોદભાઈ વહુનીયાએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા, પોલીસ હેડ કોન્સ્ટેબલ શ્રી ડી.પી. વઘોરાએ વધુ તપાસ હાથ ધરી છે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
