તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને શરીરમાં એપેન્ડિક્સ ફાટી ગયેલ અને રસી આખા પેટમાં ફેલાઈ ગયેલ
જેથી તાત્કાલિક સર્જરી કરવામાં આવી : પંદર દિવસ આરામની તબીબી સલાહ : હાલ પ્રવાસ-કાર્યક્રમોમાં હાજરી નહીં આપે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર-ભેસાણના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે કે, સતત મુસાફરી, અનિયમિત જમવાનું અને અનિયમિત સૂવાનું હોવાના કારણે થોડાક સમયથી પેટમાં દુખાવાની સમસ્યા હતી પરંતુ અલગ અલગ જિલ્લામાં કિસાન મહાપંચાયતમાં હાજર રહેવાનું તેમજ ટેકાના ભાવે મગફળી ખરીદી અને કડદા આંદોલન, માવઠાની સહાય અને ખેડૂત આત્મહત્યા વગેરે મહત્વના કાર્યોમાં મારું હાજર રહેવું જરૂરી હોવાથી હોવાથી શારીરિક તકલીફને અવગણીને હું સતત દોડ્યા કરતો હતો...આમ તો રોજ અલગ અલગ હોટલોમાં જમવાનું, ક્યારેક વાસી આવી જાય, ક્યારેક ખરાબ તેલ આવી જાય, ક્યારેક આખો દિવસ મહેમાનગતિમાં ખૂબ ચા પીવાથી પેટ ખરાબ થઈ જાય એવી અનેક નાની મોટી અનેક તકલીફોને બિલકુલ અવગણીને વધુને વધુ લોકોને કેમ ઉપયોગી થઈ શકાય એ માટે સતત દોડ્યા કરતો હોઉં છું. આટલા વર્ષોમાં ઈશ્વરે મને ક્યારેય બીમાર નથી પડવા દીધો...આમ તો થોડાક દિવસ પહેલા મને પેટનો દુઃખાવો હતો પણ દવાઓ લઈને ખેડૂતોના કાર્યક્રમમાં હાજરી આપતો હતો પરંતુ પેટનો દુઃખાવામાં રહી ન શકાય એવી હાલત થઈ જતા મારે તાત્કાલિક દવાખાને જવું પડ્યું હતું. જુનાગઢની પ્રખ્યાત કે.જે. મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સોનોગ્રાફી સારવાર કરાવતા ડોક્ટરે મને જણાવ્યું કે, શરીરમાં એપેન્ડિક્સ ફાટી ગયેલ છે અને રસી આખા પેટમાં ફેલાઈ ગયેલ છે. તાત્કાલિક સર્જરી નહીં કરવામાં આવે તો મોટી તકલીફ થઈ શકે છે. ત્યારબાદ તાત્કાલિક ધોરણે કે.જે. મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડો. વિનય હરિયાણી અને તેમની ટીમે મારી લેપ્રોસ્કોપિક સર્જરી કરી છે અને હાલમાં હું સ્વસ્થ છું. સમગ્ર હોસ્પિટલ મેનેજમેન્ટ અને ડૉક્ટર્સ તેમજ મેડિકલ સ્ટાફ દ્વારા ખુબ સારી રીતે સારવાર કરવામાં આવી એ બદલ હું હોસ્પિટલનો આભારી છું.
ઈટાલીયાએ વધુમાં જણાવ્યું છે કે, આમ તો હું આરામ કરતો નથી પણ સતત દોડધામ કર્યા કરું છું પણ અત્યારે ડોક્ટર દ્વારા ઓછામાં ઓછામાં દસ-પંદર દિવસનો સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. હું આપ તમામ મિત્રો, કાર્યકર્તાઓ, પાર્ટીના આગેવાનો, શુભેચ્છકો અને મારા મતદારો પાસેથી પંદર દિવસની રજા લઉં છું. મને રજા આપશો એવી વિનંતી છે. ..થોડાક દિવસ સુધી આપ મિત્રોના ફોન કે મેસેજ કે વ્હોટસએપ કે ઇમેઇલનો જવાબ ન આપી શકું તો મને દરગુજર કરશો.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
