<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

ધોરાજી વોર્ડ નંબર ત્રણમાં સંભવિત દૂષિત પાણીને કારણે ઝાડા ઉલટીના કેસો વધ્યા : વધુ ચાર જેટલા કેસ: દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા

ધોરાજી તાલુકા બ્લોક હેલ્થ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં દવાઓ ઓઆરએસનું વિતરણ: નગરપાલિકા ના વોટરપાર્ક વિભાગ દ્વારા સતત બે દિવસથી પાણીની લીકેજ લાઈનોની ચાલી રહી છે મરામત...

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી:-ધોરાજીના વોર્ડ નંબર ત્રણના પાંચ પીરની વાડી તરીકે જાણીતા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પાણી વિતરણ થયા બાદ ઝાડા ઉલટી ના કેસો બનવા પામતા ભારે ઉહાપોહ મચી ગયો હતો. સંભવિત પીવાના પાણીમાં ભૂગર્ભ ગટરના પાણી ભળી જવાથી દૂષિત પાણીને કારણે ઝાડા ઉલટી થયા હોવાનું પ્રાથમિક તારણ નીકળે રહ્યું છે ત્યારે ગઈકાલે પાંચ પીરની વાડી વિસ્તારના અંદાજે 20 જેટલા મહિલા અને પુરુષોને ઝાડા ઉલટી થઈ જતા ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવારથી લાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વેસેટીયન એ જણાવ્યું હતું કે આજે પણ એ વિસ્તારમાંથી ઝાડા ઉલટી ના કેસો વાળા ચાર જેટલા દર્દીઓ સરકારી હોસ્પિટલે સારવાર માટે આવ્યા છે જેમને સારવાર અપાય છે ગઈકાલે વીસ જેટલા પેશન્ટને નિષ્ણાત ડોક્ટર દ્વારા દવાઓ અને સારવાર આપવામાં આવી હતી તેમજ હાલમાં એ પૈકી 15 જેટલા દર્દીઓને ઇન ડોર એડમિટ કરી સારવાર આપવામાં આવી રહી છે કોઈ પણ દર્દીને વધુ સારવાર માટે રીફર કરવામાં આવેલ નથી ધોરાજી સરકારી હોસ્પિટલમાં પર્યાપ્ત જથ્થામાં દવાઓ અને નિષ્ણાંત ડોક્ટરો ની ટીમ કાર્યરત છે.

બીજી તરફ ધોરાજી નગરપાલિકાના વોટર વર્ક વિભાગના અધિકારી રાકેશભાઈ રાખોલીયા એ જણાવ્યું હતું કે ચીફ ઓફિસરની સૂચનાથી ગઈકાલથી જ નગરપાલિકાના જેસીબી ટ્રેક્ટર અને પર્યાપ્ત સાધનો લઈ વોટર વર્ક્સ વિભાગના ટેકનિશિયન ની ટીમ સાથે પાંચ પીરની વાડી વિસ્તારમાં જે સ્થળોએ લીકેજ જોવા મળ્યા ત્યાં તાત્કાલિક લીકેજ રીપેર કરવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે સતત બે દિવસથી લીકેજ રીપેર કરવાનું કામ વોટરવર્ક્સ ની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
વિશેષમાં નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ડીડીટી નો છંટકાવ પણ હાથ ધરવામાં આવ્યો છે.

આ મામલે ધોરાજી તાલુકા બ્લોક હેલ્થ વિભાગના ડોક્ટર પુનિત વાછાણીએ મીડિયા ને જણાવેલ કે વોર્ડ નંબર ત્રણના વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસ નોંધાતા બ્લોક હેલ્થની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું. તેમજ આજરોજ આ વિસ્તારમાં પ્રાથમિક દવાઓ અને ઓઆરએસ નું વિતરણ બ્લોક હેલ્થની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે સાથોસાથ સાવચેતી અંગેના નિર્દેશો પણ આપવામાં આવ્યા છે સમગ્ર મામલે બ્લોક હેલ્થની ટીમ દ્વારા રાજકોટ જિલ્લા કલેકટરને રિપોર્ટ આપવામાં આવશે.

ધોરાજી શહેરમાં પાણી વિતરણ અને ડહોળા પાણીને લઈ સમસ્યાઓ જાણે પૂરી થવાનું નામ લેતું નથી અગાઉ પણ ધોરાજીમાં જુદા જુદા વિસ્તારોમાં અત્યંત દુર્ગંધ મારતું અને દૂષિત પાણી વિતરણ થવાના અનેક બનાવો બની ચૂક્યા છે.
આ ઉપરાંત નગરપાલિકાની પાણીની લાઈનોમાં લીકેજ હોવાને કારણે ગંદા પાણી પીવાના પાણી સાથે ભળી જતા હોવાથી છાશ વારે આવા બનાવો બનતા રહે છે જેને લઇ ધોરાજીના નગરજનોમાં નારાજગી જોવા મળે છે

(9:12 PM IST)