<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

ભાવનગરમાં વોન્ટેડ આરોપીને ઘરમાં આશરો આપનાર મહિલા કોન્સ્ટેબલ સહિત 3ની ધરપકડ

ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલે એટ્રોસિટી કેસમાં વોન્ટેડ આરોપીને પોતાના ઘરમાં છુપાવ્યો હતો

કાયદાનું રક્ષણ કરનાર પોલીસ જ જો ગુનેગારને આશરો આપે તો તે ઘટના પોલીસ બેડા માટે શરમજનક બની જાય છે. ભાવનગરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલે એટ્રોસિટી કેસમાં વોન્ટેડ આરોપીને પોતાના ઘરમાં છુપાવ્યો હતો. આ ઘટનાથી પોલીસની 'નજર નીચી' થઈ છે અને ખાખીની શાખ પર મોટો ડાઘ લાગ્યો છે.

 

ઘટનાની વિગતો અનુસાર, તળાજા તાલુકાના દેવલી ગામનો રહેવાસી પાર્થ દિનેશ ધાંધલ્યા વરતેજ પોલીસ મથકમાં નોંધાયેલા એટ્રોસિટી કેસમાં લાંબા સમયથી ફરાર હતો અને પોલીસ ચોપડે વોન્ટેડ હતો. ભાવનગર SC-ST સેલની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે ફરાર આરોપી પાર્થ ધાંધલ્યાને ભાવનગર શહેરના રોયલ પાર્ક વિસ્તારમાં રહેતી અને ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ નયના નાનજીભાઈ બારૈયાએ (ઉં.વ.૩૪) પોતાના ઘરમાં આશરો આપ્યો છે. હાઇફાઇ લાઇફ સ્ટાઇલ અને સોશિયલ મીડિયા રીલ્સના શોખીન કોન્સ્ટેબલ નયનાની 'મીઠી નજર' નીચે આરોપી પાર્થ તેના ઘરમાં બિન્દાસ્ત રહેતો હતો.

 

બાતમીના આધારે SC-ST સેલ અને પેરોલ ફર્લો સ્ક્વોડની સંયુક્ત ટીમે મહિલા કોન્સ્ટેબલ નયનાના ઘરે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસને નીચેની બાબતો મળી આવી હતી. એટ્રોસિટી કેસનો ભાગેડું આરોપી પાર્થ દિનેશ ધાંધલીયા (ઉ.વ.૨૬) હાજર મળી આવ્યો હતો. ત્યાં ઘરમાંથી ઇંગ્લિશ દારૂની એક બોટલ અને બિયરના ખાલી ટીન પણ મળી આવ્યા હતા. સર્ચ દરમિયાન એક રૂમમાંથી અન્ય એક મહિલા કોન્સ્ટેબલ ઉષા ભુપતભાઈ જાની (ઉં.વ.૨૯) રહે. વિદ્યાનગર નવી પોલીસ લાઈન પણ હાજર મળી આવી હતી.

 

પોલીસે તત્કાળ કાર્યવાહી કરીને વોન્ટેડ આરોપી પાર્થ ધાંધલ્યા અને બંને મહિલા કોન્સ્ટેબલ – નયના બારૈયા અને ઉષા જાનીની ધરપકડ કરી છે. આ ત્રણેય વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે DYSP રીમા ઝાલાએ જણાવ્યું હતું કે, મહિલા કોન્સ્ટેબલ દ્વારા વોન્ટેડ આરોપીને આશરો આપવાના મામલે BNSની કલમ અંતર્ગત રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બંને મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી થશે.

 

આરોપી પાર્થ ધાંધલ્યા વરતેજ પોલીસ મથકમાં નોંધાયેલા એટ્રોસિટી કેસમાં ફરાર હતો. આ ફરિયાદ દેવગણા ગામે રહેતા બારૈયા ભાઈઓ અનિલ અને મુકેશ તેમજ તેમના બે ભાણેજ (જેમાં પાર્થ ધાંધલ્યાનો સમાવેશ થાય છે) વિરુદ્ધ લાખણકા (ડેમ) ગામના ઉપ સરપંચ દ્વારા કરવામાં આવી હતી. આ આરોપીઓ છેલ્લા બે માસથી ફરાર હતા, જેથી કોર્ટમાંથી વોરંટ પણ મેળવવામાં આવ્યું હતું.

(1:06 PM IST)