તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th November 2025
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જશાપુર થી અમૃતવેલ ગામને જોડતા રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરતાં અર્જુનભાઈ મોઢવાડિયા
સંપોષિત અને સર્વસમાવેષક વિકાસ એ રાજ્ય સરકારની કટિબદ્ધતા : વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા : ૩.૬ કિલોમીટરના રસ્તાના કામનું ખાતમુહૂર્ત થવાથી લોકોને રાહત થશે

ગીર સોમનાથ તા.૧૫ : વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જશાપુર થી અમૃતવેલ ગામને જોડતા ૩.૬ કિલોમીટરના રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.
ગામલોકોને સંબોધિત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સંપોષિત અને સર્વસમાવેષક વિકાસ એ રાજ્ય સરકારની કટિબદ્ધતા છે જેના ભાગરૂપે જંગલમાં છેવાડે આવેલા નાના ગામ સુધી પણ રોડ-રસ્તાની સગવડો ઉભી કરવામાં આવી રહી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સમય બદલાય એમ લોકોની જરૂરિયાતો બદલાય છે. બજેટમાં જરૂરિયાતો અનુસાર જોગવાઈઓ કરવામાં આવતી હોય છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળથી બજેટમાં એક સુનિયોજીત વ્યવસ્થા ગોઠવાઈ હતી. જેના પરિણામે આજે અંતરિયાળ ગામમાં પણ ઝડપથી રસ્તાઓ બની રહ્યાં છે.
તાજેતરમાં પડેલા કમોસમી વરસાદનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગની અસર ધીમે ધીમે વધતી જઈ રહી છે. જેથી આપણે સૌએ તમામ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવું પડશે.
ગીરના લોકો હંમેશા જંગલને ઉત્તમ રીતે સાચવતા આવ્યાં છે. પરસ્પર સહજીવનની વિભાવના સાકાર કરતું જીવન જીવી રહ્યાં છે. લોકોના સહયોગથી ગ્રીન કવર પણ વધારી રહ્યાં છીએ. તે આનંદની વાત છે.
જંગલમાં એક ઈકોસિસ્ટમ કાર્યરત હોય છે. જંગલની આસપાસ રહેવાના કેટલાક ફાયદાઓ છે, તો તેની સાથે-સાથે કેટલાક કાયદાઓ પણ હોય છે. જેનું હંમેશા ફરજિયાત પાલન કરવું જોઈએ. આમ કહી મંત્રીશ્રીએ ઈકો સેન્સેટિવ ઝોન, બરડા ડુંગરની અંદર સિંહનું આગમન, પ્રદૂષણને લગતી બાબતો સહિતની બાબતે વિશદ છણાવટ કરી હતી.
ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી જશાપુર થી અમૃતવેલ ગામને જોડતા રસ્તાની લોકમાંગ હતી. જંગલવિભાગના નિયમો જ્યાં લાગુ પડતા હોય ત્યારે કાયદાઓની મર્યાદામાં રહી કામ કરવાનું થતું હોય છે ત્યારે, આ ખાતમુહૂર્ત થકી લોકોને સુવિધાઓ મળી રહે એ દિશામાં કામ કરવામાં આવ્યું છે. વનવિભાગ અંતર્ગત આવતા વિસ્તારમાં પ્રજાલક્ષી અને લોકસુખાકારી કામ અંગે હંમેશા હકારાત્મક પાસાઓને ધ્યાનમાં લઈ અને કામગીરી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ૩.૬૦ કિલોમીટરના રસ્તામાંથી ૧.૭૦ કિમીનો રસ્તો વાઈલ્ડલાઈફ વિસ્તારમાં આવે છે. આ રસ્તાને રૂ. ૨.૧૭ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં ૧૫૦ મીટરમાં ડામર, ૧.૭૭ કિ.મી લંબાઈમાં સીસી રોડ અને ૧૬૮૦ મીટરની લંબાઈમાં મેટલિંગ કામની જોગવાઈ કરવામાં આવી છે. આ રસ્તામાં પ્રોટેક્શન વૉલ, ચેઈનેજ તથા જર્જરિત કૉઝવેની જગ્યાએ નવા કૉઝવેનું કામ પણ આવરી લેવાયું છે.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મસરીભાઈ, માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના કાર્યપાલક ઈજનેર જે.આર.સિતાપરા, એ.સી.એફ. શ્રી ચિરાગ, આર.એફ.ઓ. શ્રી વઘાસિયા, અગ્રણી સંજયભાઈ પરમાર, ગામના સરપંચ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
