<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

મોરબીમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર નરાધમને કુદરતી આયુષ્ય સુધી સખ્ત કેદની સજા.

કુદરતી આયુષ્ય સુધી કેદની સજા અને રૂ.૩૫,૦૦૦ દંડ ફટકારતો હુકમ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકા પંથકમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા આરોપીને કસુરવાન ઠેરવીને કુદરતી આયુષ્ય સુધી સખ્ત કેદની સજા અને રૂ ૩૫ હજારનો દંડ ફટકાર્યો છે તો ભોગ બનનારને દંડની રકમ શીત રૂ ૬.૩૫ લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો છે.

કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૨૨-૦૪-૨૦૨૩ ના રોજ મોરબી તાલુકા પંથકમાંથી સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ભોગ બનનારના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી ફરિયાદીની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચે અપહરણ કરી લઇ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી અને આરોપીને ઝડપી લઈને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી જે કેસ સ્પે. પોસ્કો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એન ડી કારિયાએ રજુ કરેલી દલીલો અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને સ્પે. પોક્સો અને એડીશ્ન સેશનસ જજ મોરબી કમલ રસિકલાલ પંડ્યાએ  આરોપી કાળુભાઈ ગોપાલભાઈ તાહેદ (ઉ.વ.૨૪) રહે એમપી વાળાને કસુરવાન ઠેરવ્યો હતો.

કોર્ટે કાળુભાઈ તાહેદને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૬ મુજબના ગુનામાં ૭ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦,૦૦૦ દંડ તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ (૨) (જે) (એન) ૩૭૬ (એ) (બી) ની સાથે જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ની કલમ ૫ (એલ) (એમ), ૬,૧૮, મુજબના ગુનામાં આજીવન એટલે કે બાકી રહેતા કુદરતી આયુષ સુધીની સખ્ત કેદની સજા અને રૂ ૨૦,૦૦૦ દંડ ફટકાર્યો છે તેમજ ભોગ બનનારની વળતર માટેની યોજના અંતર્ગત ભોગ બનનારને રૂ ૬ લાખ અને આરોપી દંડની રકમ રૂ ૩૫,૦૦૦ ભરે તે સહીત કુલ રૂ ૬,૩૫,૦૦૦ વળતર ચુકવવા આદેશ કર્યો છે.

(12:43 PM IST)