<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

ભોળાદધામઃ આજે દાનભા બાપુનો જન્‍મ દિવસ

ભોળાદ ભાલ સુરાપુરધામ ખાતે વ્‍યસનમુકિત અને અંધશ્રધ્‍ધાથી દૂર રહેવાનો સંદેશ આપનાર દાનભા બાપુના આશિર્વાદ લેવા, શુભેચ્‍છા પાઠવવા હજારો-લાખો અનુયાયીઓ ઉમટયા

 (સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૧૭ :.. ભોળાદ ભાલ પ્રદેશમાં ધંધુકા બગોદરા રોડ પર લોથલ નજીક આવેલ સુપ્રસિદ્ધ સુરાપુરાધામ ભોળાદ ખાતે બિરાજમાન સુરાપુરાદાદા રાજાજી અને તેજાજી દાદાના સ્‍થાનકની સેવા સંભાળતા અને તેમના કાર્યોને આગળ વધારનાર પૂજય  દાનભા બાપુ ચૌહાણનો આજે જન્‍મદિવસ છે. ‘જ્‍યાં ટુકડો, ત્‍યાં હરિ ઢુકડો'ના સંદેશને સાર્થક કરતા દાનભા બાપુ સરળ અને સહજ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છે અને સાધારણ જીવન વ્‍યતિત કરે છે.

દાનભા બાપુનું જીવન સમાજ સેવાને સમર્પિત છે. તેઓ ભોળાદ સુરાપુરાદાદાના જગ્‍યા પર દર્શન કરવા આવતા હજારો શ્રદ્ધાળુઓને વ્‍યસન મૂક્‍ત બની સરળ જીવન જીવવાનો સંદેશ આપે છે અને દારૂ છોડાવવા સહિતના અનેક વ્‍યસન મૂક્‍તિના કાર્યો કરે છે. આ સાથે જ, તેઓ ખાસ કરીને યુવાનોને સાચા માર્ગે દોરવા, સંસ્‍કળતિ ૪રત્‍યે જાગળતિ ફેલાવવા અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે એક મોટું અભિયાન ચલાવી રહ્યા છે. માનસિક રીતે ભાંગી પડેલા અને જેનો કોઈ સહારો ના રહ્યો હોય, તેઓની મદદ કરવી એવા અનેક કાર્યો તેઓ સુરાપુરા દાદાના સાનિધ્‍યમાં કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભાલની ધિંગી ધરતીમાં આવેલ આ સુરાપુરાધામ ૯૦૦ વર્ષ પહેલાંના બલિદાનની ગાથાનું પ્રતીક છે. વીર તેજાજી દાદા અને વીર રાજાજી દાદાએ ચારણની દીકરીઓની આબરૂ બચાવવા માટે વારે ચડીને સત્તર નરાધમોને વીંધી નાખ્‍યા હતા. શૂરવીર થવાયા પછી પણ લડતા રહ્યા, પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મંદિરાના છાંટણા નાખવામાં આવતાં, માત્ર ૨૭ વર્ષની નાની ઉંમરે તેઓએ પરમાર્થના કામે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. આ સ્‍થળ નજીક જ સિદ્ધરાજ સોલંકી દ્વારા યાત્રાળુઓ પાસેથી કર નાબૂદ કરાયો હતો તે દાણીમાતાનો આરા પણ આવેલો છે.

વર્ષો વીતી ગયા બાદ, દાદાએ પ્રમાણ આપતાં, ચૌહાણ પરીવાર દ્વારા તા. ૨૨/૪/૨૦૧૬ (હનુમાન જયંતી)ના રોજ સુરાપુરા દાદાની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરીને તેમની વ્‍યવસ્‍થિત સ્‍થાપના કરવામાં આવી હતી. ત્‍યારથી, વીર તેજાજી દાદા અને વીર રાજાજી દાદાએ અસંખ્‍ય પ્રમાણ આપતા આ જગ્‍યા દેશ-વિદેશ અને ગુજરાતભરમાંથી આવતા લાખો લોકો માટે આસ્‍થાનું કેન્‍દ્ર બની ગયું છે.

આજે દાનભા બાપુના જન્‍મદિવસ નિમિત્તે તેમના અસંખ્‍ય અનુયાયીઓ તેમજ શુભેચ્‍છકો દ્વારા શુભકામનાઓ પાઠવાઈ રહી છે ત્‍યારે આજે પણ અસંખ્‍ય શ્રદ્ધાળુઓ તેમના દર્શનનો લાભ લેવા ભોળાદ પહોંચ્‍યા છે.

(11:54 AM IST)