News of Tuesday, 18th November 2025
ધ્રોલ યાર્ડમાં ખેડૂતનું પેટ ઠર્યુઃ ટેકાના ભાવની ખરીદીમાં ઉત્તમ વ્યવસ્થા!
વિશાળ જગ્યા, સરળ વ્યવસ્થાઃ ખરીદીનું ઉદાહરણરૂપ આયોજન

ધ્રોલ, તા.૧૮: આ વર્ષે ધ્રોલના ખેડૂતો માટે ટેકાના ભાવની ખરીદી માત્ર સરકારી પ્રક્રિયા નહીં, પણ એક સુવિધાયુક્ત મહાપર્વ બની ગયું છે! રાજકોટ હાઇવે પર આવેલા સિદ્ધિ વિનાયક ગ્રાઉન્ડમાં ઊભી કરાયેલી અદ્ભુત વ્યવસ્થાના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
જ્યારે પણ ટેકાના ભાવે ખરીદીની વાત આવે છે, ત્યારે ખેડૂતોને લાંબી કતારો, અગવડ અને રાહ જોવી પડતી હોય છે. પરંતુ ધ્રોલ ખાતે એ.પી.એમ.સી. ધ્રોલ અને ખરીદ એજન્સી જય સરદાર ખેત ઉત્પાદન ખરીદ વેચાણ સહકારી મંડળી લી. દ્વારા રાજ્ય ખરીદ એજન્સી ઇન્ડીએગ્રો કન્સોર્ટિયમ પ્રોડ્યુસર કંપની લી. અને રાષ્ટ્રીય ખરીદ એજન્સી નેશનલ કો-ઓપરેટિવ કન્ઝયુમર ફેડરશન ઓફ ઈન્ડિયાના સહયોગથી એવી આયોજનબદ્ધ વ્યવસ્થા કરવામાં આવી છે કે ખેડૂતમિત્રો ખુશ ખુશાલ થઈ ગયા છે!
સિદ્ધિ વિનાયક ગ્રાઉન્ડની ખૂબ મોટી જગ્યા હોવાને કારણે અહીં ખેડૂતો શાંતિપૂર્વક અને વ્યવસ્થિત રીતે પોતાનો માલ વેચી શકે છે. કયાંય ધક્કા-મુક્કી કે અવ્યવસ્થા જોવા મળતી નથી.
કાર્યક્ષમ આયોજનના ભાગ રૂપે, ધ્રોલમાં એક દિવસમાં ૨૫૦ જેટલા ખેડૂતોનો વારો લેવામાં આવે છે. આનાથી ખરીદીની પ્રક્રિયા ઝડપી બને છે અને ખેડૂતોનો સમય બચે છે.
ખેડૂતોને ખરીદીની જાણકારી માટે સોશિયલ મીડિયા (વોટ્સએપ ગ્રુપ) ઉપરાંત, રજીસ્ટ્રેશન કરાવેલ મોબાઈલ નંબર પર ટેક્ષ મેસેજ દ્વારા પણ ચોક્કસ સમય અને તારીખની જાણ કરવામાં આવે છે, જેથી કોઈ અફરાતફરી ન થાય.
અહીંનો તમામ સ્ટાફ માત્ર કામ પૂરતો સીમિત નથી. ખેડૂતોને કોઈ અગવડ ન પડે તે માટે તેઓ સતત મદદરૂપ થાય છે. જો કોઈ ખેડૂતને પ્રક્રિયાની ખબર ન હોય, તો સ્ટાફના સભ્યો સાથે રહીને હેલ્પ કરે છે. આ સપોર્ટના કારણે જ ખેડૂતો ખૂબ જ રાજી છે.
ખરીદ કેન્દ્રના સંચાલકોએ સાબિત કરી દીધું છે કે સરકારી ખરીદી પણ ખેડૂતો માટે સરળ, સન્માનજનક અને આનંદદાયક બની શકે છે.
આ ઉત્તમ વ્યવસ્થા ધ્રોલના ખેડૂતોની મહેનતને સાચું વળતર આપી રહી છે અને સરકારી યોજનાઓના સફળ અમલનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહી છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
