તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
જામનગરમા સંકલ્પ ઢોસામાં જીવાત મળ્યાની ફરિયાદ : ફૂડ શાખાએ ચેકિંગ કરી બે દિવસ બંધ રાખવા સૂચના આપી
મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓએ સંકલ્પ રેસ્ટોરન્ટના કિચન સહિત સમગ્ર પરિસરનું નિરીક્ષણ કર્યું : જોકે નિરીક્ષણ દરમિયાન ફૂડમાં કોઈ ગંભીર ક્ષતિ જણાઈ ન હતી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૮ : જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા સંકલ્પ રેસ્ટોરન્ટમાં ગ્રાહકની ફરિયાદ બાદ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રસોડામાં ટાઇલ્સ બદલવાની અને સ્વચ્છતા સુધારવાની સૂચના સાથે રેસ્ટોરન્ટને બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ અપાયો છે.
ધારાબેન જેઠવા નામના ગ્રાહકે ફૂડ શાખામાં ટેલિફોનિક ફરિયાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સંકલ્પ ઢોસામાં ઢોસા ખાતી વખતે તેમને જીવાત મળી હતી. તેમણે આ ઘટનાના ફોટોગ્રાફ્સ પણ લીધા હતા.
ફરિયાદના આધારે મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓએ સંકલ્પ રેસ્ટોરન્ટના કિચન સહિત સમગ્ર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. જોકે, નિરીક્ષણ દરમિયાન ફૂડમાં કોઈ ગંભીર ક્ષતિ જણાઈ ન હતી.
ફૂડ વિભાગના અધિકારી પરમારે જણાવ્યું હતું કે, રેસ્ટોરન્ટને પેસ્ટ કંટ્રોલ કરાવવા, પાણીનો રિપોર્ટ રજૂ કરવા, કામ કરતા કર્મચારીઓના મેડિકલ સર્ટિફિકેટ મેળવવા અને રસોડાની સ્વચ્છતા (હાઈજેનિક કન્ડિશન) સુધારવા માટે ગ્રેસ ટાઇલ્સ લગાવવા સૂચના અપાઈ છે.
જ્યાં સુધી ટાઇલ્સનું કામ પૂર્ણ ન થાય અને સ્વચ્છતાની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી રેસ્ટોરન્ટને બે દિવસ માટે કોઈપણ પ્રકારનો વેપાર કે વેચાણ ચાલુ ન રાખવા આદેશ આપવામાં આવ્યો છે. આ સૂચનાઓનું પાલન થયા બાદ જ રેસ્ટોરન્ટ ફરીથી શરૂ કરી શકાશે. તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
