<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

કચ્છમાં કંડલા અને મુન્દ્રા પોર્ટમાં ઓઇલ રિફાનરીઓમાં મોક એક્સરસાઇઝ યોજાશે

૨૧ મીના મોક એક્સરસાઇઝ દરમ્યાન લોકોને અફવાઓથી સાવધ રહેવા અપીલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ : નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા કુદરતી/માનવસર્જિત આપત્તિઓને પહોંચી વળવા આગોતરા આયોજન સ્વરૂપે વખતોવખત મોક-એક્સરસાઈઝનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત દરિયાઈ સીમા ધરાવતા જિલ્લાઓમાં ઓઈલ & કેમિકલ સંબંધિત દુર્ઘટનાઓના નિવારણ અર્થે ઓઈલ & કેમિકલ મોક-એક્સરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું છે. 

કચ્છમાં ગાંધીધામ તાલુકામાં દીનદયાળ પોર્ટ, કંડલા અને ભારત પેટ્રોલિયમ કો.લી. તેમજ મુંદરા તાલુકાના મુંદરા પોર્ટ & SEZ ખાતે તા.૨૧/૧૧/૨૦૨૫ ના રોજ ઓઈલ & કેમિકલ મોક-એક્સરસાઈઝ યોજાનાર છે. આ મોક-એક્સરસાઈઝ સંદર્ભે ગાંધીધામ તાલુકાના વિસ્તાર માટે પ્રાંત અધિકારીશ્રી, અંજાર તેમજ મુંદરા તાલુકાના વિસ્તાર માટે પ્રાંત અધિકારી મુંદરાની ઈન્સિડન્ટ કમાન્ડર તરીકે તેમજ જિલ્લા નોડલ અધિકારી તરીકે નાયબ નિયામકશ્રી, જિલ્લા ઔદ્યોગિક સલામતિ અને સ્વાસ્થ્યની નિમણૂંક કરવામાં આવી છે. 

વધુમા આ મોક-એક્સરસાઈઝ સંબંધે લોકોમાં ખોટી અફવા ન ફેલાય તેમજ જરૂર જણાયે અત્રેના જિલ્લા કંટ્રોલ રૂમના ટોલ ફ્રી ઈમરજન્સી નં.૧૦૭૭ અથવા ફોન નં.૦૨૮૩૨-૨૫૦૯૨૩ તથા ૦૨૮૩૨-૨૫૨૩૪૭ પર સંપર્ક સાધવા કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.

(10:03 AM IST)