<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

જસદણ : સરકારી હોસ્‍પિટલનો વિવાદ વધુ વકર્યો

ભાજપના પૂર્વ મહામંત્રી રાજુભાઈએ આરોગ્‍ય વિભાગમાં માહિતી અધિકાર હેઠળ માહિતી માંગતા ચકચાર

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૧૯: જસદણ સરકારી હોસ્‍પિટલમાં બેદરકારી દાખવતો નર્સિંગ સ્‍ટાફ તેમજ અન્‍ય કર્મચારીઓ વિરુદ્ધનો વિવાદ હજી થંભ્‍યો નથી ત્‍યાં ભાજપના પૂર્વ મહામંત્રી તેમજ પૂર્વ નગરસેવક રાજુભાઈ દડુભાઈ ધાધલે વિવિધ પ્રકારની ગ્રાંટમાં મોટે પાયે ગેરરીતિ થતી હોવાની આશંકાથી દર્દીઓને મળવાપાત્ર સારવાર અને સુવિધાઓ તેમજ આર્થિક વહીવટી કાર્ય સંબંધીત માહિતી અધિકારના કાયદા હેઠળ નાયબ નિયામક આરોગ્‍ય અને તબીબી સેવાઓ રાજકોટ પાસે માહિતી માંગતા ચકચાર મચી જવા પામ્‍યો છે.

રાજુભાઈ ધાધલે સી.એચ.સી.માંથી અપગ્રેડ થતા સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલનો દરજ્જો મળતા દર્દીઓની સારવાર તથા સુવિધાઓ માટે વિવિધ વિભાગોમાં કયા-કયા પ્રકારનો સુધારો વધારો થયો અને જરૂરીયાત મુજબ કેટલા નિષ્‍ણાંત ડોકટરો હોવા જોઈએ હાલમાં નિષ્‍ણાંત તેમજ પુરતા પ્રમાણમાં અન્‍ય ડોકટરો છે કે નહી તેમજ હોસ્‍પિટલમાં પહેલા તેમજ હાલના સમયે હોસ્‍પિટલ અપગ્રેડ થયા બાદ સને ૨૦૧૫ થી ઓકટોબર ૨૦૨૫ એટલે કે છેલ્લા દસ વર્ષમાં જસદણ સરકારી હોસ્‍પિટલમાં કરાર આધારિત, બોન્‍ડ આધારિત, કાયમી તેમજ હંગામી ધોરણે કયાં વર્ષે કેટલા ડોકટરોએ ફરજ બજાવીને કયારે છુટ્ટા થયા તેમજ છુટ્ટા થવા અંગેની ડોકટરોની ડિગ્રી સાથેની વર્ષ મુજબ વિગતવાર માહિતી હાલમાં ફરજ બજાવતા ડોકટરોના નામ તેમની ડિગ્રી સાથેની વિગતવાર માહિતી તથા ફરજ બજાવતા નર્સિંગ સ્‍ટાફ તથા અન્‍ય સ્‍ટાફ તેમજ કોન્‍ટ્રાક્‍ટ બેઝ પર ફરજ બજાવતા તમામ કર્મચારીઓના નામ તથા તેમની ફરજ અંગેની વિગતવાર માહિતી રોગી કલ્‍યાણ સમિતિને સને ૨૦૧૫ થી ઓકટોબર ૨૦૨૫ દરમિયાન ફાળવવામાં આવેલ ગ્રાંટના વર્ષ મુજબના આંકડા સાથેની માહિતી તેમજ મળેલી ગ્રાંટની રકમનો વપરાશ વર્ષ મુજબ કેવી રીતે કરવામાં આવે છે તેના ખર્ચ સહિતની આંકડા - તારીખ સાથેની વિગતવાર માહિતી રોગી કલ્‍યાણ સમિતિની કે સરકારની અન્‍ય કોઈ ગ્રાંટમાંથી સને ૨૦૧૫ થી ઓકટોબર ૨૦૨૫ના સમય દરમિયાન બહારથી ખરીદ કરવામાં આવેલ દવાઓ કઈ એજન્‍સીઓ પાસેથી ખરીદ કરવામાં આવેલ છે તે એજન્‍સીઓના નામ, સરનામા તથા તેમને ચુકવવામાં આવેલ તારીખ મુજબની રકમ સહિતની માહિતી માંગતા રાજુભાઈ ધાધલે જણાવ્‍યું હતું કે ગુજરાત સરકાર આરોગ્‍ય બાબતે ખૂબજ ગંભીરતા દાખવીને ગરીબ દર્દીઓને તમામ પ્રકારની સવલતો વિનામૂલ્‍યે મળે તે માટે સરકાર સતત પ્રયત્‍નશીલ રહી છે. ત્‍યારે ગેરરીતિ આચરવામાં આવી રહી છે. તે પુરતા પુરાવાઓ એકત્રીત થતા સરકાર સમક્ષ સત્‍ય ઉજાગર કરીને ગેરરીતિ આચરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાવવા માટે માહિતી અધિકારના કાયદાનો ઉપયોગ કર્યો છે.

(10:39 AM IST)