તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
વિંછીયાના ગેરૈયા ગામેથી પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરનો ૬ાા લાખનો વાયર ચોરાયો
૩૫૦૦ કિલો એલ્યુમિનીયમ વાયરનો જથ્થો પીજીવીસીએલમાં જમા કરાવવાનો હોઇ દેવાયતભાઇએ ફઇના દિકરાના ઘર પાસે પટમાં રાખ્યો હતો ત્યાંથી કોઇ ભરી ગયું: પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧૯: જિલ્લાના વિંછીયા તાલુકાના ગોરૈયા ગામમાંથી પીજીવીસીએલના કોન્ટ્રાક્ટ કામ માટે રાખવામાં આવેલા આશરે ૩૫૦૦ કિલો એલ્યુમિનિયમ વાયરની ચોરી થતાં તપાસ શરૂ થઇ છે. ચોરી થયેલા વાયરની કિંમત રૂ. ૬,૫૧,૦૦૦ છે. આ બનાવ અંગે ે કોન્ટ્રાક્ટરે વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
જાણવા મળ્યા મુજબ દેવાયતભાઈ લખમણભાઈ ખાંભલા (ઉ.વ. ૩૭, રહે. ગોરૈયા) નામના પીજીવીસીએલના પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરે ફરિયાદમાં જણાવ્યું છે કે આશરે બે માસ પહેલા દેવગઢ-વેજળકા ગામની વાડી વિસ્તારમાંથી લાવેલો આશરે ૧૨ કિલોમીટરની લંબાઈ ધરાવતો ૩૫૦૦ કિલો વજનનો એલ્યુમિનિયમ વાયરનો જથ્થો પીજીવીસીએલમાં જમા કરાવવાનો બાકી હતો. આ વાયરનો જથ્થો સુરક્ષિત રહે તે હેતુથી દેવાયતભાઈએ તેમના ફઈના દિકરા ગોવિંદભાઈ કાનાભાઈ ઘાંઘળના રહેણાંક મકાન બાજુમાં આવેલા જાહેર ખુલ્લા પ્લોટમાં રાખ્યો હતો અને ગોવિંદભાઈને તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું.ત્યારબાદ તારીખ ૧૦/૧૧ના રોજ રાત્રીના આશરે ૧૨ વાગ્યાની આસપાસ વાયરનો જથ્થો ખુલ્લા પ્લોટમાં જોવા મળ્યો હતો. પરંતુ બીજા દિવસે સવારે તારીખ ૧૧/૧૧ના સવારે સાતેક વાગ્યાની આસપાસ ગોવિંદભાઈના પિતા કાનાભાઈ બાર જઈને પાછા ફરતા પ્લોટમાંથી એલ્યુમિનિયમ વાયરના ગુંચળાઓ ત્યાં જોવા મળ્યા નહોતા. આથી તુરત જ ગોવિંદભાઈએ દેવાયતભાઈને ફોન કરીને જાણ કરતાં દેવાયતભાઈ તાત્કાલિક ગોરૈયા પહોંચ્યા હતા અને જોયું તો રૂ. ૬,૫૧,૦૦૦ની કિંમતનો ૩૫૦૦ કિલો એલ્યુમિનિયમ વાયરનો જથ્થો ચોરાઈ ગયો હતો.કોન્ટ્રાક્ટરે પોતાના સ્તરે લાંબો સમય શોધખોળ કર્યા બાદ પણ ચોર કે માલ મળી ન આવતા, અંતે વિંછીયા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે ચોરીનો ગુનો દાખલ કર્યો છે. વધુ તપાસ પોલીસ ઇન્સ્પેકટર એ. સી. ડામોરે અને ટીમે હાથ ધરી છે
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
