<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

પાક નુકસાન સહાયની અરજી માટે રૂ.૧૦૦ લેતા સુલતાનપુરના વી.સી.ઈ.ને અસરથી છૂટા કરાયા

જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ફોજદારી કાર્યવાહીનો આદેશ

(હરેશ ગણોદીયા- જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ તા. ૧૯,નોંધનીય છે કે, કળષિ રાહત પેકેજ-૨૦૨૫ અંતર્ગત સહાય મેળવવા માટે ખેડૂત ખાતેદારોએ વી.સી.ઇ. મારફત ઓનલાઈન અરજી કરવાની રહે છે. વી.સી.ઇ. ને ડેટા એન્‍ટ્રી માટે પ્રતિ અરજી દીઠ રૂ. ૨૦ રાજ્‍ય બજેટમાંથી ચૂકવવાનું ઠરાવવામાં આવ્‍યું છે. વી.સી.ઇ.એ લાભાર્થી પાસે સહાયની અરજી પેટે કોઈ પણ રકમની માગણી કરવાની રહેતી નથી. જો કોઈ આવી માગણી કરે તો તેની સામે કડક પગલાં લેવાનું પણ ઠરાવવામાં આવ્‍યું છે. દરમિયાન ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના વી.સી.ઈ. શિવભાઈ માલાભાઈ ગોંડલીયા દ્વારા પાક નુકશાનીના વળતરના ફોર્મ ભરવા માટે, દરેક ફોર્મના રૂ.૧૦૦ લેતા હોવાની  બાબત ધ્‍યાને આવતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી  અનંદુ સુરેશ ગોવિંદ દ્વારા તપાસ કરાવવામાં આવી હતી. જો કે વી.સી. ઈ. અરજીઓ માટે નાણાં લેતા હોવાની માહિતી સાચી હોવાનું સામે આવતા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા તેમને તાત્‍કાલિક છૂટા કરવાની કાર્યવાહી કરવાનો આદેશ ગોંડલ તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવ્‍યો છે. ઉપરાંત ગોંડલ તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે નિયમોનુસારની ફોજદારી કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે. આ સાથે આ પ્રકારની અરજીઓ કરવા માટે વી.સી.ઈએ કોઈ પ્રકારના નાણાં ખેડૂત ભાઈઓ પાસેથી લેવાના થતા નથી અને અન્‍ય તમામ સબંધીતોને પણ આવી પ્રવળત્તિ નહિ કરવા કડક સૂચના પણ આપવામાં આવી છે.

 

(11:36 AM IST)