<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

વાંકાનેરના મહિકામાં ખેતીની જમીન મામલે માથાકુટમાં ઝેર પી લેનારા ત્રણમાંથી એક ભાઇનું મોતઃ અરેરાટી

નદી કાંઠે રેતીની લીઝ રાખનારાઓએ અમારો રસ્‍તો તમારી જમીનમાંથી નીકળે છે કહી ખેતર ખાલી કરવાનું કહેતાં ગઇકાલે યશ બાંભણીયા, વિશાલ બાંભણીયા, કલ્‍પેશ બાંભણીયા ઝેર પી ગયા હતાં: ૨૦ વર્ષના યશનું રાજકોટમાં સારવારમાં મોત

રાજકોટ તા. ૧૯: વાંકાનેર તાબેના મહિકા ગામે ત્રણ પિત્રાઇ ભાઇઓ પોતાની વાડીએ સજોડે ઝેરી દવા પી જતાં ત્રણેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જે પૈકી એક ભાઇનું મોત થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. પાંચ દાયકાથી આ ત્રણેય ભાઇઓના કુટુંબીઓ પેઢી દર પેઢી જે ખેતીની જમીન વાવે છે તે બાજુની જમીનમાં લીઝ રાખનારા શખ્‍સોએ અમારી લીઝની જગ્‍યામાં તમારી જમીન આવે છે, અહિથી અમારે રસ્‍તો કાઢવો છે કહી જમીન ખાલી કરવાનું કહી જેસીબી સાથે આવી માથાકુટ કરતાં ત્રણેય ભાઇઓએ ગભરાઇને આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહેતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ મહિકા ગામે રહેતો યશ હરિભાઇ બાંભણીયા (ઉ.વ.૨૦) અને તેના મોટા બાપુના બે દિકરા કલ્‍પેશ વિનોદભાઇ બાંભણીયા (ઉ.વ.૨૩) તથા વિશાલ વિનોદભાઇ બાંભણીયા (ઉ.વ.૨૦) ત્રણેય પોતાની મહિકા ગામની વાડીએ હતાં ત્‍યારે ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, પ્રતાપભાઇ, રવિભાઇ, ધર્મેન્‍દ્રભાઇ સહિતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. સારવાર દરમિયાન મોડી રાતે યશ બાંભણીયાનું મોત થતાં પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે.

વિશાલ અને કલ્‍પેશના પિતા વિનોદભાઇ ધરમશીભાઇ બાંભણીયાએ જણાવ્‍યું હતું કે અમે પચાસ વર્ષથી નદી કાંઠે આવેલી જમીન વાવીએ છીએ અને દર મહિને પંચાયતને તેની નિયમ મુજબની ફી ભરીએ છીએ. નદી કાંઠે રેતીની લીઝ જેને મળી છે એ શખ્‍સો એવુ કહે છે કે આ જમીન પણ તેને લીઝમાં મળી છે અને આ જમીનમાંથી રસ્‍તો કાઢવાનો છે, એટલે અમારે આ ખેતીની જમીન ખાલી કરવી પડશે. પંદરેક દિવસથી આ લોકો સતત અમને ધમકાવતાં હોઇ અને માથાકુટ કરતાં હોઇ આજે આ લોકોએ વાડીમાં જેસીબી સાથે આવી મારા દિકરાઓ વિશાલ, કલ્‍પેશ, ભત્રીજા યશ સાથે માથાકુટ કરતાં ત્રણેય ગભરાઇને ભાગ્‍યા હતાં અને એક સાથે રીંગણીમાં છાંટવાની દવા પી ગયા હતાં. દેકારો થતાં અમે વાડીમાં દૂર હોઇ આ ત્રણેય પાસે દોડી આવતાં માથાકુટ કરનારા ભાગી ગયા હતાં.

સારવાર દરમિયાન રાતે યશ હરિભાઇ બાંભણીયાનું મોત થતાં હોસ્‍પિટલ ચોકીના અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ પરમાર સહિતે જાણ કરતાં વાંકાનેર તાલુકા પોલીસના અધિકારીઓએ રાજકોટ આવી તપાસ શરૂ કરી હતી. મૃત્‍યુ પામનાર યશ બે ભાઇમાં મોટો હતો. તેના પિતા ખેતી કરે છે, પોતે પણ ખેતી કામ કરતો હતો. બનાવને પગલે પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. (૧૪.૬)

 

(11:16 AM IST)