<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

શાપર-વેરાવળ પાસે માધવ પોલીમર્સ કંપનીમાં વિકરાળ આગ ભભૂકીઃ કરોડોના નુકશાનની ભીતી

વ્‍હેલી સવારે આગ ભભૂકતા રાજકોટ-ગોંડલ ફાયરબ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલુઃ ફેકટરીમાં મશીનરી સહિતની વસ્‍તુઓ ખાક

શાપર-વેરાવળ પાસે માધવ પોલીમર્સ કંપનીમાં લાગેલ આગના દ્રશ્‍યો અને ઘટનાસ્‍થળે ફાયરબ્રિગેડની ટીમ નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)

(કમલેશ વસાણી દ્વારા) શાપર-વેરાવળ તા.૨૦: શાપર વેરાવળ વિસ્‍તારમાં શાંતિધામથી રીબડા ઇન્‍ડસ્‍ટ્રી ઝોન તરફ જતાં માર્ગ પર આવેલી માધવ પોલીમર્સ કંપનીની અંદર આજે વહેલી સવારે વિકરાળઆગ ભભૂકતા નાસભાગ મચી ગઇ હતી.

વ્‍હેલી સવારે ૬:૩૦ વાગ્‍યે માધવ પોલીમર્સ કંપનીમાં આગ ભભૂકતા રાજકોટ ફાયર ફાઇટર સૌથી પહેલા ઘટનાસ્‍થળે પહોંચી હતી. પરંતુ આગનું સ્‍વરૂપ વિકરાળ હોવાનું જણાતા બાદ ગોંડલ ફાયર ફાઈટર તથા શાપર વેરાવળ ફાયર ફાઈટર ટીમને પણ તાત્‍કાલિક રવાના કરવામાં આવી હતી. કુલ ચાર ફાયર ફાઈટર ટીમોએ સ્‍થળ પર પહોંચી આગ બુઝાવ કામગીરી શરૂ કરી છે. મળતી માહિતી મુજબ આગને કાબુમાં લેવામાં ૩ થી ૪ કલાકનો સમય લાગી શકે તેમ છે.

આ વિકરાળ આગના કારણે કારખાનાની અંદર રહેલી મશીનરી સહિતની તમામ વસ્‍તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. હાલ સુધી આગ લાગવાનું સ્‍પષ્ટ કારણ સામે આવ્‍યું નથી, પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થવાની આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે કંપનીની અંદર ફાયર સેફ્‌ટીના પૂરતા સાધનો ન હોવાને કારણે આગ બુઝાવ કામગીરીમાં ફાયર ફાઈટરને ભારે મુશ્‍કેલી પડી રહી છે. આ ઘટનાની જાણ થતાં ગોંડલ પોલીસે પણ તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી જઈ વધુ માહિતી મેળવી હતી. પોલીસ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ ચાલુ કરવામાં આવી છે

(11:34 AM IST)