<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

જામનગર કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો : 10 પૈકીની 8 અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવી અરજદારોની સમસ્યાનું નિરાકરણ

સોસાયટીમાં પાણીનો પૂરતો પુરવઠો મળવો, રી-સર્વે પ્રોમોલગેશન અંગે ક્ષતિ સુધારા કરવા, માર્ગની બંને બાજુ દબાણની માપણી કરવા, સરકારી જગ્યા તથા રોડ પરના બિનઅધિકૃત દબાણો દૂર કરવા, પિયત માટે અન્ડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાખવાની મંજૂરી, પોલીસ ફરિયાદને લગતા પ્રશ્નો રજૂ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.20 

 જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી જામનગર ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આવેલ કુલ 10 પ્રશ્નો પૈકી 8 પ્રશ્નોનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી અરજદારોની સમસ્યાનું નિરાકરણ લવાયું હતું.

 

જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી.ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી.સાથે જ્યાં જરૂર જણાઈ ત્યાં વિભાગોનું અરસ પરસ સંકલન કરી અરજદારનો પ્રશ્ન ઝડપથી હલ થાય તે માટે પ્રયાસો કર્યા હતા.

 

આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે સોસાયટીમાં પાણીનો પૂરતો પુરવઠો મળવો, રી-સર્વે પ્રોમોલગેશન અંગે ક્ષતિ સુધારા કરવા, માર્ગની બંને બાજુ દબાણની માપણી કરવા, સરકારી જગ્યા તથા રોડ પરના બિનઅધિકૃત દબાણો દૂર કરવા, પિયત માટે અન્ડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાખવાની મંજૂરી, પોલીસ ફરિયાદને લગતા પ્રશ્નો, વરસાદી પાણી ભરાવાના પ્રશ્ન, જન્મતારીખના દાખલામાં વારસદારમાં નામ ઉમેરવા વગેરે જેવા પ્રશ્નોને કલેકટરશ્રીએ સાંભળ્યા હતા તેમજ ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી માનવીય અભિગમ દાખવી ત્વરિત આ પ્રશ્નોનો નિકાલ લાવવા તાકીદ કરી હતી.અરજદારોએ પણ કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કરી પોતાના પ્રશ્નનું સુખદ સમાધાન થતા હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

 

આ કાર્યક્રમમાંમાં જિલ્લા વિકાસ અધિકારી  અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડો.રવિમોહન સૈની, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, સંલગ્ન વિભાગોના અધિકારીશ્રીઓ તથા અરજદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:27 PM IST)