News of Friday, 21st November 2025
વિંછીયાના ફુલઝર ગામના યુવાન પાસે વ્યાજના ર૦ હજાર સામે ૬.૭૦ લાખની પઠાણી ઉઘરાણી!
વ્યાજખોરએ બળજબરીથી ખિસ્સામાંથી ૪૦૦૦ રૂા. કાઢી લઇ મારી નાખવાની ધમકી આપી

રાજકોટ તા. ર૧ :.. વિંછીયાના ફુલઝર ગામના યુવાન પાસેથી વ્યાજખોરે વ્યાજે આપેલ ર૦ હજારની સામે ૬.૭૦ લાખની પઠાણી ઉઘરાણી કરી ખિસ્સામાંથી બળજબરીથી ૪૦૦૦ રૂા. કાઢી લેતા પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ વિંછીયાના ફુલઝર ગામે ફોરેસ્ટ વીડીમાં રહેતા અને મજૂરી કામ કરતા મુકેશભાઇ રવજીભાઇ ડેડાણીયાએ આરોપી પ્રદીપભાઇ કાઠી રહે. આંકડીયા ગામ તા. વિંછીયા સામે વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી પ્રદીપભાઇ કાઠીએ ફરીયાદીને વીસ હજાર દર મહિને દસ ટકા વ્યાજના દરે આપેલ હોય અને બે માસનું વ્યાજ ૪૦૦૦ રૂપિયા આપેલ હતુ અને હજી આઠ માસનું વ્યાજ દેવાનું બાકી હોય આરોપીએ મોઢુકા ગામ પાસે ફરીયાદીને ગાળો દેવા લાગેલ ફરીયાદીએ ગાળો દેવાની ના પાડતા આરોપીએ ધમકાવેલ કે લાવે મારુ વ્યાજ આપી દે નહિ તો જાનથી મારી નાખીશ તેમ કહી ફરીયાદીને શર્ટના ખીસ્સામાં રહેલ રૂા. ૪૦૦૦ બળજબરી પૂર્વક કાઢી લઇ હજુ તારે મને રૂા. ૬,૭૦,૦૦૦ દેવા પડશે તેમ કહી પઠાણી ઉઘરાણી કરી આરોપી પોતાના હવાલાવાળી ફોર વ્હીલ ગાડી લઇ જતો હતો.
આ ફરીયાદ અન્વયે વિંછીયા પોલીસે વ્યાજખોર સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
