<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

દારૂ પી દિનેશભાઇએ પત્‍નિ ભાનુબેનને પાઇપથી ફટકાર્યાઃ પછી દિનેશભાઇને પુત્રએ માર માર્યો

કોટડાસાંગાણીના માણેકવાડાનો બનાવઃ પતિ-પત્‍નિ બંને સારવારમાં : દારૂ પી ગાળો દેતાં હોઇ ના પાડતાં ડખ્‍ખોઃ વર્ષોથી પતિ આ રીતે માથાકુટ કરતાં હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૧: કોટડાસાંગાણીના માણેકવાડા ગામે મહિલાએ દારૂ પી ગાળો ભાંડતા પતિને આવુ કરવાની ના પાડતાં તેણે તેણીને પાઇપથી માર માર્યો હતો. બાદમાં દિકરાએ રોષે ભરાઇ પિતાને વળતા પાઇપના ઘા ફટકારતાં પતિ-પત્‍નિ બંનેને સારવાર માટે દાખલ કરાયા છે.

જાણવા મળ્‍યા મુજબ કોટડાસાંગાણીના માણેકવાડા ગામે રહેતાં ભાનુબેન દિનેશભાઇ પરમાર (ઉ.વ.૪૦)ને સાંજે આઠેક વાગ્‍યે તેના પતિ દિનેશભાઇએ પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. બીજી તરફ તેણીના પતિ દિનેશભાઇ અમરશીભાઇ પરમાર (ઉ.વ.૪૬) પણ રાતે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા હતાં. તેણે પોતાના પર દિકરા ધવલે પાઇપથી હુમલો કર્યાનું કહેતાં હોસ્‍પિટલ પોલીસ ચોકીના સ્‍ટાફે બંને ઘટનાની એન્‍ટ્રી કોટડા સાંગાણી પોલીસમાં નોંધાવી હતી.

ભાનુબેને હોસ્‍પિટલના બિછાનેથી કહ્યું હતું કે મારા લગ્નને વીસ વર્ષ થયા છે અને સંતાનમાં બે દિકરી તથા ત્રણ દિકરા છે. મારા પતિ દિનેશભાઇ કડીયાકામ કરે છે. પરંતુ ઘણા સમયથી તેને દારૂ પીવાની ટેવ પડી ગઇ છે. રાતે તે દારૂ પી ઘરમાં મારી સાથે માથાકુટ કરી ગાળો દેતાં હોઇ તેને ગાળો બોલવાની ના પાડતાં મારા પર હુમલો કર્યો હતો અને પાઇપના ઘા ફટકાર્યા હતાં.

બાદમાં પોતે પણ હુમલો થયાની રાવ સાથે હોસ્‍પિટલે આવ્‍યા હતાં. દિકરા પર હુમલાનો તેણે ખોટો આરોપ મુક્‍યો છે. ખરેખર શું બન્‍યું? તેની તપાસ કોટડાસાંગાણી પોલીસ કરી રહી છે. (૧૪.૭)

 

શાપરના કાવ્‍યાબેન ભાવીષ્‍કરનું બેભાન હાલતમાં મોત નિજપ્‍યું

બે સંતાને એક વર્ષમાં પિતા બાદ માતા પણ ગુમાવ્‍યા

રાજકોટ તા. ૨૧: શાપર વેરાવળ શાંતિધામ સોસાયટીમાં રહેતાં કાવ્‍યાબેન સંજયભાઇ ભાવીષ્‍કર (ઉ.વ.૩૭) નામના મહિલાને ઉધરસ થઇ હોઇ ડોક્‍ટરને બતાવતાં વધુ સારવાર માટે દાખલ કરવાનું કહેતાં તેમને ગોંડલ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. જ્‍યાં લોહીના ટકા ઓછા હોવાનો રિપોર્ટ આવ્‍યો હોઇ બે દિવસથી દાખલ હતાં. ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ લાવવામાં આવતાં વહેલી સવારે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

કાવ્‍યાબેન મુળ મહારાષ્‍ટ્રના વતની હતાં. તેના પતિનું ગયા વર્ષે વાહન અકસ્‍માતમાં મૃત્‍યુ થયું હતું. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. કાવ્‍યાબેનનું બિમારીથી મો થયું હતું. જો કે પોલીસે મોતનું કારણ જાણવા પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું છે. બે સંતાને એક વર્ષમાં જ પિતા બાદ માતા પણ ગુમાવી દેતાં નોધારા થઇ ગયા છે.

(11:49 AM IST)