News of Friday, 21st November 2025
ગોંડલના ખડવંથલીની વીડીમાં ફોરેસ્ટ કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી પ શખ્સો ઢોર છોડાવી ગયા
જંગલ વિસ્તારની બાઉન્ડ્રી દિવાલ તોડી નુકશાન કર્યુઃ હડમડીયા ગામના પ શખ્સો સામે ફરીયાદ

રાજકોટ તા. ર૧ :.. ગોંડલના ખડવંથલી ગામની વીડીમાં ફોરેસ્ટ કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી પ શખ્સો ઢોર છોડાવી જઇ ફોરેસ્ટની બાઉન્ડ્રી દિવાલને નુકશાન કર્યાની પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ ફોરેસ્ટ વિભાગમાં નોકરી કરતા સહદેવસિંહ જીવાનસિંહ ચુડાસમાએ આરોપી છગન ટીંબાભાઇ રાણગા, વજુ ટીબાભાઇ રાણગા, ઇન્દો છગનભાઇ, રાજૂ છગનભાઇ તથા શૈલેષ વજુભાઇ રે. હડમતીયા ગામ તા. ગોંડલ સામે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી તથા સ્ટાફ જંગલ વીડીમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ખડવંથલી અનામત વીડીના જંગલ ભાગ તરીકે ઓળખાતા વિસ્તારમાં ૪૦ થી ૪પ જેટલા ઢોર ચરીયાણ કરતા હોય બધા ઢોરને ઢોર ડબ્બા તરફ ચાલીને લઇ જતા હતા તે દરમિયાન ઉકત પાંચેય શખ્સોએ લાકડી સાથે આવી ગેરકાયદે મંડળી રચી ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને આજે તમારા ટાંટીયા ભાંગી નાંખવા છે, મારી નાંખવા છે. તેમ કહી ગાળો આપી ઝપાઝપી કરી લાકડીઓ વડે તગડીને ઢોર લઇ જતા રહ્યા હતાં.
આરોપી છગનભાઇની વાડી જંગલ ખાતાની વીડીને અડીને આવેલી હોય છગનભાઇ તથા તેના સાથેના શખ્સો ઢોરના ચરીયાણ માટે જંગલની વીડીની બાઉન્ડ્રી દિવાલ ૪ થી પ જગ્યાએ તોડી નાખી ર૧ હજારનું નુકશાન કર્યુ હતું. આ ફરીયયાદ અન્વયે ગોંડલ તાલુકા પોલીસે હડમડીયા ગામના ઉકત પાંચેય શખ્સો સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
