<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

શાપરમાં ફાયનાન્‍સ કંપનીના કર્મચારી ગોંડલ કમઢીયાના જયદિપ પરમારનો પ્રેમપ્રકરણમાં ધમકી મળતાં આપઘાત

મુળ ગોંડલના કમઢીયાના જયદિપ પરમારે ગેસ્‍ટહાઉસમાં ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતોઃ જયદિપને સાથી કર્મચારી સાગરની પત્‍નિ સાથે અફેર હતોઃ સાગર અને તેનો ભાઇ રવિ બંનેને સાથે જોઇ જતાં ધમકી આપતાં પગલુ ભરી લીધાની ફરિયાદ

રાજકોટ તા. ૨૨: જિલ્લાના શાપર વેરાવળમાં રહેતાં મુળ ગોંડલના કમઢીયાના ૨૪ વર્ષીય યુવકે ગળાફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લીધી છે. આ યુવાનને રાજકોટની એક પરિણીતા સાથે પ્રેમસંબંધ હોઇ તે મામલે તેને પરિણીતાના રાજકોટ રહેતાં પતિ અને દિયરે ધમકીઓ આપતાં તેણે આ પગલુ ભરી લીધાનું ખુલતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં શાપર પોલીસે ગોંડલના કમઢીયા ગામે રહેતાં સિધ્‍ધરાજભાઇ જયંતિભાઇ પરમાર (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી મુળ વિસાવદરના જાંબુડાના અને હાલ રાજકોટ કટારીયા ચોકડીએ રંગોલી હાઇટ્‍સ બીમાં રહેતાં સાગર મનજીભાઇ સાગઠીયા અને રવિ મનજીભાઇ સાગઠીયા વિરૂધ્‍ધ સિધ્‍ધરાજભાઇના ભાઇ જયદિપભાઇ જયંતિભાઇ પરમાર (ઉ.વ.૨૪-રહે. શાલ શાપર વૃજવાટીકા સોસાયટી, મુળ કમઢીયા તા. ગોંડલ)ને મરી જવા મજબૂર કર્યાનો ગુનો દાખલ કર્યો છે.

વધુ માહિતી મુજબ ગોંડલના કમઢીયા ગામના અને હાલ શાપરની વ્રજવાટિકા સોસાયટીમાં રહેતા ૨૪ વર્ષીય જયદિપભાઈ જયંતીભાઈ પરમારે શાપરમાં પ્રગતિ મોલમાં આવેલ નીલમ ગેસ્‍ટ હાઉસના એક રૂમમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું હતું. જયદિપ છેલ્લા બે વર્ષથી શાપરમાં રહી બજાજ ફાઇનાન્‍સના લોન ડિપાર્ટમેન્‍ટમાં નોકરી કરતો હતો. મળતકના મોટા ભાઈ સિધ્‍ધરાજભાઈ જયંતીભાઈ પરમારે શાપર પોલીસ સ્‍ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ જયદિપભાઇના મળતદેહનું પી.એમ. રાજકોટની સરકારી હોસ્‍પિટલ ખાતે કરવામાં આવ્‍યું હતું.

ફરિયાદમાં જણાવાયું છે કે આપઘાત કરનારા જયદિપભાઇને તેના નોકરીના પાર્ટનર સાગરભાઈ મનજીભાઈ સાગઠીયા (ઉ.વ.૨૫, રહે. રાજકોટ)ની પત્‍નિ મોનીકા સાથે પ્રેમસંબંધ  હતો. સાગર અને તેના ભાઈ રવિ મનજીભાઈ સાગઠીયાને આ બાબતની જાણ થતા, તેઓએ શાપરમાં એક હોટલ નજીક જયદિપ અને મોનીકાને સાથે પકડી પાડ્‍યા હતા. આ મામલે સાગર અને રવિએ જયદિપભાઇ સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો અને તેને ગંભીર ધમકી આપી હતી. ફરિયાદી સિધ્‍ધરાજભાઈએ પોલીસને જણાવ્‍યું હતું કે રવિ અને સાગરે મારા ભાઇ જયદિપભાઇને ધમકી આપી હતી કે જો તું ફરીવાર મોનીકા સાથે દેખાઈશ તો જાનથી મારી નાખીશ. આ ધમકી અને ઝઘડાને કારણે જયદિપભાઇને ખુબ જ લાગી આવ્‍યું હતું અને તેથી જ તેણે ગળાફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો, જેમાં સિધ્‍ધરાજભાઈ અને તેમના કૌટુંબીક ભાઈ રતીભાઈ, જયદિપભાઇને શોધવા નીકળ્‍યા હતા અને બાદમાં તેની ઓફિસ ઉપર આવેલ ગેસ્‍ટ હાઉસમાંથી મળતદેહ મળી આવ્‍યો હતો. પોલીસે ફરિયાદ નોંધીને, આત્‍મહત્‍યા માટે દુષ્‍પ્રેરણા આપવા બદલ સાગરભાઈ મનજીભાઈ સાગઠીયા અને તેના ભાઈ રવિભાઈ મનજીભાઈ સાગઠીયા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(1:38 PM IST)