News of Saturday, 22nd November 2025
માલીયાસણમાં મહિલા સાથે આપઘાત કરનારા મનિષભાઇને બે વ્યાજખોરે મરવા મજબૂર કર્યા'તા
સ્યુસાઇડ નોટને આધારે નરસિંહનગરમાં રહેતાં મૃતકના પત્નિ ભાવનાબેન વઘેરાની ફરિયાદ પરથી રવિ ડવ અને દિનેશ ડાંગર વિરૂધ્ધ કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૨: અઠવાડીયા પહેલા કુવાડવાના માલીયાસણ ગામમાં રાજકોટના ટ્રકચાલક પ્રોૈઢ અને એક મહિલાએ સજોડે આપઘાત કરી લીધાની ઘટનામાં ઘરમાંથી મળેલી સ્યુસાઇડ નોટને આધારે એવી વિગતો ખુલી છે કે ટ્રક ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતાં આ પ્રોૈઢે બે શખ્સોની વ્યાજખોરીથી કંટાળીને આ પગલુ ભર્યુ હતું. એક શખ્સ પાસેથી ૯ લાખ લઇ રકમ ચુકવી દીધી છતાં વધુ ૩ લાખ મંગાતા હતાં. તેમજ બીજા એકને ટ્રક ખરીદ કરાવ્યો તેમાં આ પ્રોૈઢ જામીન હોઇ તે શખ્સ ટ્રકની રકમ ભરપાઇ ન કરી શકતાં આ રકમનું પણ વ્યાજ વસુલાતુ હતું. આ બંનેની વ્યાજખોરીથી કંટાળીને પ્રોૈઢે આપઘાત કરી લીધાનું ખુલતાં બંને સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે આરટીઓ કચેરી પાછળ નરસિંહનગર-૧માં રહેતાં મુળ માલીયાસણના શોભનાબેન મનિષભાઇ વઘેરા (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી રવિ ડવ અને દિનેશ ડાંગર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. શોભનાબેન વઘેરાએ જણાવ્યું છે કે હું મારા પરિવાર સાથે રહી લાલપરી ખાતે આંગણવાડી કેન્દ્રમાં કોન્ટ્રાક્ટ બેઝ પર વર્કર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવુ છું. મારા પતિ મનિષભાઇ અમારે ઘરના ટ્રક હોઇ તેને લગતો વ્યવસ્યા કરતાં હતાં. મારે સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. સાસુ કમળાબેન મારી સાથે રહે છે. ગત તા. ૧૫/૧૧/૨૫ના રજ સાંજે છએક વાગ્યે હું અને મારા સાસુ કમળાબેન ઘરે હતાં ત્યારે મારા દિયર યોગેશભાઇ દાનાભાઇ વઘેરા ઘરે આવ્યા હતાં અને જાણ કરી હતી કે મનિષભાઇ અને કાંતાબેન રાઠોડે માલીયાસણ ગામે જુના મકાન ખાતે આવ્યા છે તેથી આપણે બધાએ ત્યાં જવાનું છે.
જેથી હું, મારા સાસુ દિયર યોગેશભાઇની કારમાં બેસી ત્યાં માલીયાસણ અમારા જુના મકાને જતાં ત્યાં ઘણા લોકો એકઠા થઇ ગયા હતાં. મેં શું થયું છે? તે બાબતે દિયરને પુછતાં તેણે કહેલું કે તમારા પતિ-મારા ભાઇ મનિષભાઇ અને કાંતાબેન રાઠોડે ઘરમાં છતના પંખામાં દોરડુ બાંધી સજોડે આપઘાત કરી લીધો છે, ૧૦૮ના ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા છે. આ પછી પોલીસ આવી હતી અને બંનેના મૃતદેહના પોસ્ટમોર્ટમ કરાવ્યા હતાં.
અમે પતિની લાશની અંતિમવિધી માલીયાસણ ખાતે કરી હતી. આ પછી અમે મારા પતિ અને કાંતબેને જ્યાં આપઘાત કર્યો હતો ત્યાં જતાં ઘરમાં તપાસ કરતાં અમને મારા પતિએ લખેલી સ્યુસાઇડ નોટ મળી હતી. અંતિમવિધી બાદ અમે પોલીસને સ્યુસાઇડ નોટ બાબતે વાતક રી હતી. જેમાં મારા પતિએ લખ્યું હતું કે મેં રવિ ડવ પાસેથી રૂા. ૯ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા છે. આ રકમ વ્યાજ સહિત પરત આપી દીધી હોવા છતાં, રવિ ડવ હજુ પણ બાકી વ્યાજના નામે રૂ. ૩,૦૦,૦૦૦ની અવારનવાર ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપી રહ્યો હતો.આ ઉપરાંત દિનેશ ડાંગર પાસેથી મારા પતિએ ટ્રક લીધો હતો. તેમજ મારા પતિએ પ્રદિપ રાઠોડને પણ ટ્રક અપાવ્યો હતો. જેમાં તે જામીન હતાં. પ્રદિપભાઇ ટ્રકના રૂપિયા આપી શકે તેમ ન હોઇ જેથી દિનેશ ડાંગર મારા પતિ પાસે પાંચ લાખની ઉઘરાણી કરી આ રકમ માટે દબાણ કરતાં હતાં. તેમજ દિનેશ ડાંગર બાકી રહેતી રકમ પર ૩ ટકા લેખે વ્યાજ પણ વસૂલતા હતા, જેના કારણે મારા પતિ ભારે દબાણ અનુભવી રહ્યા હતા. ચિઠ્ઠીમાં મારા પતિએ ટ્રક, ગાડીના હિસાબો તેમજ અન્ય સંબંધીઓ પાસેથી લીધેલ હાથ ઉછીના અને ટાયરની દુકાનના લેણાંની વિગતો પણ લખી હતી. કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. ભગોરાએ મનિષભાઇને મરવા માટે મજબૂર કરનારા બંને શખ્સોરવિ અને દિનેશ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
