તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 23rd November 2025
સોમનાથના ઇતિહાસમાં પ્રથમ: કારતક પૂર્ણિમાનો મેળો 'અનોખા ત્રિવેણી યોગ'માં માગશર માસમાં યોજાશે
સતત માવઠાને કારણે મેળો ૨૫ દિવસ મોડો: હરિહરની ભૂમિમાં સંકલ્પ સિદ્ધિ દિવસ અને મોક્ષદા એકાદશીનો મહામિલન

પ્રભાસપાટણ, ગુજરાત - વિશ્વ પ્રસિદ્ધ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવનો કાર્તિક પૂર્ણિમાનો મેળો આ વર્ષે ઇતિહાસમાં પહેલીવાર માગશર મહિનામાં યોજાવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદ, વાવાઝોડા અને પવનને કારણે કાર્તિક મહિનામાં આ મેળો બંધ રાખવામાં આવ્યો હતો, અને હવે તે ૨૫ દિવસ મોડો એટલે કે ૨૭ નવેમ્બરથી ૧ ડિસેમ્બર દરમિયાન સોમનાથ ટ્રસ્ટના બાયપાસ પાસેના સદભાવના મેદાનમાં યોજાશે. આ ફેરવાયેલી તારીખોને કારણે મેળાનો સમાપન દિવસ ૧ ડિસેમ્બર એક 'ન ભૂતો ન ભવિષ્યતિ' એવા અનોખા ત્રિવેણી યોગમાં ફેરવાઈ ગયો છે, જેમાં હરિ અને હર બંનેનો મહિમા એકસાથે જોવા મળશે.
સામાન્ય રીતે કાર્તિક પૂર્ણિમાનો મેળો ભગવાન શિવ (હર)ના મહિમાની પૌરાણિક કથાઓ સાથે સંકળાયેલો હોય છે, પરંતુ આ વર્ષે માગશર મહિનામાં યોજાતા આ મેળાના સમાપન દિવસ, ૧ ડિસેમ્બરના રોજ હરિ (ભગવાન શ્રીકૃષ્ણ)ની પવિત્ર કથાઓ પણ તેમાં ભળી જશે. આ દિવસે મોક્ષદા એકાદશી પણ છે, જે ભાવિકો માટે દાન, પૂણ્ય અને જપની દૃષ્ટિએ અત્યંત મહિમામય છે. આ ઉપરાંત, આ જ દિવસે સોમનાથના ગીતા મંદિર ખાતે યુગાવતાર ભગવાન શ્રીકૃષ્ણના ચરણ પાદુકા-ગીતા ગ્રંથ પૂજન અને ગીતા પાઠ યોજાય છે, કારણ કે ભગવાન શ્રીકૃષ્ણે અહીંથી જ સ્વધામગમન પ્રસ્થાન કર્યું હતું.
મેળાના સમાપન દિવસ ૧ ડિસેમ્બરનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ઘણું મોટું છે. આ દિવસ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના ઇતિહાસમાં 'સંકલ્પ સિદ્ધિ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. દેશની સ્વતંત્રતા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોધ્ધાર કરવાનો સંકલ્પ કર્યો હતો. મંદિરનું બાંધકામ ચાલતું રહ્યું અને ૧ ડિસેમ્બર, ૧૯૯૫ના રોજ દેશના તત્કાલિન રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માના હસ્તે નાગર શૈલીના કૈલાસ મહામેરૂપ્રસાદ પ્રકારના શિખર અને નૃત્ય મંડપ ઉપર કળશારોપણ કરીને મંદિર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. સોમનાથ ટ્રસ્ટ દર વર્ષે આ દિવસે સરદાર વંદના-વિશેષ મહાપૂજા સહિતના કાર્યક્રમો યોજીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પે છે.
સોમનાથ ટ્રસ્ટના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે જ્યારે કાર્તિક પૂર્ણિમાનો મેળો મોક્ષદા એકાદશી, સંકલ્પ સિદ્ધિ દિવસ અને ગીતા જયંતિ (સંભવિત)ના પુણ્યપર્વ સાથે એક જ દિવસે સમાપન કરી રહ્યો છે. આ ત્રિવેણી યોગ ભક્તો માટે દર્શન, જપ અને પૂણ્ય કમાવવાનો એક અત્યંત દુર્લભ અને મહામહિમામય અવસર છે. વરસાદને કારણે મેળાની તારીખ ભલે બદલાઈ હોય, પરંતુ આ ફેરફારથી હરિહરની ભૂમિમાં એક એવો ત્રિસંયોગ રચાયો છે, જે ભાવિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
