તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 23rd November 2025
મોરબીમાં લૂંટેરી દુલ્હનનો પર્દાફાશ: પિતાના મૃત્યુનું બહાનું કરી રૂ. ૩ લાખની છેતરપિંડી!
મહેન્દ્રનગરના યુવક સાથે મેરેજ રજિસ્ટર કરાવી ચાંદની અને રાજુભાઈ તન્ના ફરાર: ૧૬ નવેમ્બરે આરોપી પકડાતા ફરિયાદ નોંધાઈ

મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા એક યુવક સાથે લૂંટેરી દુલ્હન અને તેના સાથી દ્વારા લગ્નના નામે મોટી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મહેન્દ્રનગર, પ્રભુકૃપા રેસીડેન્સી રોયલ પાર્કમાં રહેતા સુંદરજીભાઈ દેવજીભાઈ જશાપરાએ અમદાવાદના રહેવાસી આરોપીઓ રાજુભાઈ તન્ના (ઠક્કર) અને યુવતી ચાંદની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ લગ્ન પેટે ખર્ચના નામે રૂ. ૩ લાખ રોકડા ઓળવી લીધા હતા અને લગ્ન નોંધણી કરાવ્યાના થોડા દિવસો પછી યુવતી પિતાનું મરણ થયાનું ખોટું બહાનું કરીને ઘરેથી ગયા બાદ પરત ફરી નહોતી.
ફરિયાદી સુંદરજીભાઈએ જણાવ્યું કે તેમના પુત્ર રાહુલ (ઉ.વ. ૨૯)ની જ્ઞાતિમાં સગાઈ ન થતી હોવાથી તેમણે માસિયાઈ ભાઈ ખોડાભાઈ કાવરને વાત કરી હતી. ખોડાભાઈએ તેમના મિત્ર દ્વારા અમદાવાદના રાજુભાઈ તન્નાનો સંપર્ક કરાવ્યો, જે છોકરા-છોકરીઓની સગાઈ કરાવતા હોવાનું કહેવામાં આવ્યું હતું. રાજુભાઈએ અમદાવાદમાં એક દીકરી હોવાની વાત કરી, જેના આધારે સુંદરજીભાઈ, પુત્ર રાહુલ અને અન્ય બે વ્યક્તિઓ અમદાવાદ ગયા હતા. ત્યાં રાજુભાઈ તન્નાએ બાઈક પર ચાંદની નામની યુવતી સાથે તેમની મુલાકાત કરાવી હતી.
યુવક-યુવતીને એકબીજાને પસંદ આવતાં સગાઈની વાત નક્કી થઈ. રાજુભાઈએ ચાંદનીના પિતાને કેન્સરની બીમારી હોવાનું બહાનું બતાવીને સગાઈ માટે રૂ. ૫૦,૦૦૦ અને લગ્ન નક્કી થાય ત્યારે બીજા રૂ. ૨,૫૦,૦૦૦ આપવાની માંગણી કરી હતી. સુંદરજીભાઈએ રાજુભાઈને હાજરીમાં રૂ. ૫૦,૦૦૦ આપ્યા હતા. ત્રણ દિવસ પછી, રાજુભાઈએ ચાંદનીના પિતાની તબિયત વધુ લથડ્યાનું બહાનું આપીને તાત્કાલિક લગ્ન કરવાનું કહ્યું. અમદાવાદ જઈને રાજુભાઈએ વકીલની ઓફિસમાં જ રજિસ્ટ્રાર મેરેજ કરાવી નાખ્યા અને બાકીના રૂ. ૨,૫૦,૦૦૦ રોકડા લીધા હતા, આમ કુલ રૂ. ૩ લાખ ઓળવી લીધા હતા.
લગ્નના ત્રણ દિવસ બાદ, રાજુભાઈનો ફોન આવ્યો કે ચાંદનીના પિતાનું અવસાન થયું છે અને ચાંદનીને તાત્કાલિક અમદાવાદ મૂકી જવાનું કહ્યું. સુંદરજીભાઈના ઘરના સભ્યો ચાંદનીને અમદાવાદ પાસે બહુચરાજી મૂકી આવ્યા, જ્યાં રાજુભાઈ તેને સાથે લઈ ગયા. થોડા દિવસો સુધી રાજુભાઈ ફોન પર 'મૂકી જઈશ, મૂકી જઈશ' કહીને ટાળતા રહ્યા. ત્રણ માસ વીતી ગયા પછી રાજુભાઈએ ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું. આખરે, ગત તા. ૧૬ નવેમ્બરના રોજ સાબરકાંઠા પોલીસ રાજુભાઈ ઠક્કરને લઈને સુંદરજીભાઈના ઘરે આવતા સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી. બી ડિવિઝન પોલીસે લૂંટેરી દુલ્હન ચાંદની સહિત બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
