<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

કચ્‍છના ગાંધીધામ મહાનગરપાલિકાને ૧૭૬ કરોડના ૬૬ વિકાસ કામોની ભેટ આપતા ભુપેન્‍દ્રભાઈ પટેલ

વડાપ્રધાન નરેન્‍દ્ર ભાઈ મોદીએ શહેરીકરણને પડકાર નહીં પરંતુ તક તરીકે સ્‍વીકારી વેલ પ્‍લાન્‍ડ સીટીઝ ડેવલપમેન્‍ટ માટેનો માર્ગ ચીંધ્‍યોઃ ગુજરાતમાં હોલીસ્‍ટિક સીટીના વિકાસ માટે શહેરી વિકાસ બજેટમાં ૪૦%ના વધારા સાથે રાજ્‍ય સરકારની ૩૦ હજાર કરોડની ફાળવણીઃ ભુપેન્‍દ્રભાઈ પટેલ : પાલિકામાંથી મહાનગરપાલિકા બનેલા ગાંધીધામ શહેરમાં આકાર લેનાર મોડેલ ફાયર સ્‍ટેશન, સ્‍માર્ટ લાઇબ્રેરી, આઇકોનિક પ્રવેશદ્વાર, બગીચા, રોડ રસ્‍તા, ગટર, પાણી, સ્‍ટ્રોમ વોટર, સહિતના વિકાસ કામો થકી શહેરને મળશે નવી ઓળખ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪: નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલા ગાંધીધામ શહેરમાં આજરોજ પ્રથમવાર પધારેલા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે રૂ.૧૭૬ કરોડના ૬૬ વિકાસકામોની ભેટ આપી હતી. આ સાથે જ ઓસ્‍લો સર્કલ ખાતે ડો .બાબાસાહેબ આંબેડકરને પુષ્‍પાંજાલિ અર્પી તેમની પુનઃ સ્‍થાપિત પ્રતિમાનું અનાવરણ તથા નવનિર્મિત ફલાય ઓવરનું  ડો.બાબાસાહેબ આંબેડકર બ્રિજ  નામકરણ તેમજ સર્કલ ડેવલપમેન્‍ટ તેમજ પાર્કિગ ફેસીલીટીના વિકાસ કામનું લોકાપર્ણ કર્યું હતું.

ગાંધીધામ ખાતે ગોપાલપુરીના સરદાર વલ્‍લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યકમમાં ૧૭૬ કરોડના વિકાસકામોનું ઈ ખાતમુહૂર્ત કરતા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે મહાનગરના નાગરિક તરીકેનું ગૌરવ મેળવવા બદલ ગાંધીધામવાસીઓને અભિનંદન પાઠવતા જણાવ્‍યું હતું કે, ગાંધીધામ મહાનગરપાલિકા થયા પછી પહેલીવાર મારે અહીં આવવાનું થયું છે. કચ્‍છના ઇકોનોમિક કેપિટલની ઓળખ ધરાવતાં અને રાજ્‍યના મહત્‍વના ઔદ્યોગિક કેન્‍દ્ર ગાંધીધામને વિકાસની નવી ઊંચાઈઓ સર કરાવવાની વડાપ્રધાનશ્રી તથા રાજ્‍ય સરકારની નેમ છે. આ નેમને  આગળ વધારતા રૂ.૧૭૬ કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યા છે. વિશ્વ નેતા અને આપણા યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં વિકાસનું રોલ મોડલ બનેલ ગુજરાતમાં વધતા જતા વિકાસને કારણે લોકો રોજી-રોટી માટે નગરોમાં વસતાં થયા છે ત્‍યારે નગરોમાં જન સુખાકારી અને પાયાની સુખ સુવિધાઓના કામોમાં ગતિ લાવવા રાજ્‍ય સરકાર નવી મહાનગરપાલિકાઓની રચના કરી રહી છે.  આજ વિઝન હેઠળ  વિકાસની ગતિ અને વ્‍યાપકતા વધારવા ગાંધીધામ નગરપાલિકામાં આસપાસના ૧૧ ગામોનો સમાવેશ કરીને નવી મહાનગરપાલિકાની રચના  કરવામાં આવી છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પહેલા ગાંધીધામ નગરપાલિકાનું વાર્ષિક બજેટ ૧૧૦ કરોડ રૂપિયા હતું. પરંતુ મહાનગરપાલિકાનો દરજ્‍જો મળ્‍યા પછી તે છ ગણું એટલે ૬૦૮ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્‍યું છે. એટલું જ નહીં, ગાંધીધામને શહેરી વિકાસની વિવિધ યોજનામાંથી પાછલા ત્રણ વર્ષમાં ૨૫૫ કરોડ રૂપિયા ફાળવ્‍યા છે. મુખ્‍યમંત્રીશ્રીએ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ખાતમુહૂર્તમાં સમાવેલ કામોની સરાહના કરતા જણાવ્‍યું હતું કે, હોલીસ્‍ટિક સીટીના વિકાસને વિચારને મૂર્તિમંત કરતા આ કામો સર્વગ્રાહી વિકાસની ઝલક દર્શાવે છે. સમય અનુકૂળ તથા  નગરની પ્રાથમિક જરૂરિયાતોના કામોમાં આઇકોનિક રોડ, રસ્‍તા, પાણી, ગટર, ગાર્ડનતળાવ સહિત જન જનને  સ્‍પર્શતા વિકાસકામો સાથે મહાનગર પાલિકાએ આધુનિક કામો જેવા કે ફાયર સ્‍ટેશન તથા મોડર્ન લાઇબ્રેરી સહિતના વિકાસ કામોનો પણ સમાવેશ કર્યો છે જે સર્વગ્રાહી વિકાસ દર્શાવે છે.

શહેરોનો વિકાસ કેવો હોય, કેટલા સ્‍કેલનો અને કઈ સ્‍પીડનો હોય તે ગુજરાતના નગરોએ દેશને બતાવ્‍યું છે તેવું જણાવતા મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પહેલા વિકાસની માત્ર વાતો થતી પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્ર ભાઈ મોદીએ વિકાસની રાજનીતિથી વિકાસને ધરાતલ પર ઉતાર્યો છે. વડાપ્રધાનશ્રીએ કચ્‍છને ભૂકંપની આપદામાંથી બેઠું કરીને વિકાસની રાહે પૂરપાટ દોડતું કર્યું છે. વડાપ્રધાનશ્રીના વિઝન અને વિકાસ થકી  વેપાર, ઉદ્યોગ, ધંધા-રોજગાર, વ્‍યવસાયો, શિક્ષણ, આરોગ્‍ય દરેકે ક્ષેત્રે ગુજરાતે વિકાસની ચરમસીમા લાંઘી છે.

આ કાર્યક્રમ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્‍લા પંચાયત પ્રમુખ જનકસિહ જાડેજા, ધારાસભ્‍ય માલતીબેન મહેશ્વરી, ધારાસભ્‍ય વિરેન્‍દ્રસિહ જાડેજા, પૂર્વ વિધાનસભા અધ્‍યક્ષ ડો. નીમાબેન આચાર્ય, મહાનગરપાલિકા કમિશ્નર મનીષ ગુરુવાણી, દિનદયાળ પોર્ટ ચેરમેન સુશીલકુમાર સિગ, આગેવાન દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય, પૂર્વ નગરપાલિકા પ્રમુખ તેજસ શેઠ સહિતના આગેવાનશ્રીઓ તથા મોટી સંખ્‍યામાં નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:07 AM IST)