<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

ઉપલેટાના રાકેશભાઇ વાંસીયા શનિવારે ગૂમ થયા બાદ કૂવામાંથી લાશ મળી

ફુલાઇ ગયેલો મૃતદેહ મળતાં રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમઃ અકળ કારણોસર આત્‍મહત્‍યા કરી લીધાનું પરિવારજનોનું કથન

રાજકોટ તા. ૨૪: ઉપલેટામાં રહેતો યુવાન શનિવારે સવારે ઘરેથી બાઇક લઇને નીકળ્‍યા બાદ બાઇક ગામમાં સગાને આપી દઇ નીકળી ગયા પછી ગૂમ થયો હતો. તેની ગામમાં જ અમી ગાર્ડન પાસે આવેલી વાડીના કૂવામાંથી ફુલાઇ ગયેલી લાશ મળતાં

એરરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ ઉપલેટામાં રહેતો રાકેશભાઇ નાથાભાઇ વાંસીયા (ઉ.વ.૩૪) નામનો યુવાન શનિવારે સવારે ઘરેથી પોતાનું ટુવ્‍હીલર લઇને નીકળ્‍યો હતો. બાદમાં ગામમાં તેના કુટુંબી કાકા તેને મળતાં તેણે પોતાને બહાર જવું છે આ બાઇક ઘરે પહોંચાડી દેજો તેમ કહી કાકાને બાઇક આપી નીકળી ગયો હતો. મોડી રાત સુધી તે પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી પણ પત્તો ન મળતાં પોલીસને જાણ કરી હતી.

આ દરમિયાન ગત સાંજે ઉપલેટા અમી ગાર્ડન પાસે આવેલી વાડીના માલિક પોતાના કૂવા તરફ જતાં કાઠા પર શર્ટ અને બીજા કાગળો પડયા હોઇ કૂવામાં જોતાં એક યુવાનની લાશ તરતી જોવા મળતાં તુરજ પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહ બહાર કઢાવીને તપાસ કરતાં આ મૃતદેહ ગૂમ થયેલા રાકેશભાઇ વાંસીયાનો હોવાનું ખુલતાં તેના સગા સંબંધીને બોલાવ્‍યા હતાં. મૃતદેહ પાણીમાં બે દિવસ પડી રહેવાને કારણે ફુલાઇ ગયો હોઇ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે.

પરિવારજનોએ કહ્યું હતું કે રાકેશભાઇ ઉપલેટાની નોબલ સ્‍કૂલમાં સ્‍કૂલ બસના ડ્રાઇવર તરીકે નોકરી કરતાં હતાં. તે એક બહેનથી મોટા હતાં. પિતા હયાત નથી. તે વૃધ્‍ધ માતા સહિતના પરિવારનો આધારસ્‍તંભ હતાં. તેણે અકળ કારણોસર આપઘાત કરી લીધાનું  પણ સગાએ કહ્યું હતું. ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે. આ બનાવે ઉપલેટા પંથકમાં ચકચાર જગાવી દીધી છે. 

(1:46 PM IST)