તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
કચ્છમાં વીજ કંપનીઓની દાદાગીરી સામે ખેડૂતોનો ધ્રુજારો: લડેંગે ઓર જીતેંગે : જુઓ વિડીયો
લોડાઈ, વાંઢીયા સહિતના ગામોમાં અદાણી કંપની સામે ખેડૂતોના વિરોધનો મુદ્દો ચર્ચામાં, કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં આયોજિત ખેડૂત ન્યાય સભાને બહોળો પ્રતિસાદ, કલેક્ટર કચેરીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા, ઠેક ઠેકાણે ખેડૂતોને અટકાવાયા હોવાનો આક્ષેપ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ : છેલ્લા ત્રણ મહીનાથી કચ્છના ભચાઉ તાલુકાના વાંઢીયા સહિત આસપાસના ગામોમાં તેમ જ હાલ ભુજ તાલુકાના લોડાઈ ગામમાં ખેડૂતોના ખેતરમાંથી બળજબરીપૂર્વક વીજ ટાવર ઉભા કરી હેવી વીજ લાઈન નાખવાનો મુદ્દો ભારે ચર્ચામાં છે. તેમાંયે વાંઢીયા ગામે ખેડૂત પરિવારોમાં મહિલાઓ તેમ જ પુરુષોની અટકાયત કરી પોલીસ દ્વારા બળપ્રયોગ કરાઈ રહ્યો હોવાના આક્ષેપો પણ સમાચારોમાં છે. ત્યારે ભુજમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ભુજ મધ્યે આયોજિત ખેડૂત ન્યાય સભામાં વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા. આ ખેડૂત ન્યાય સભામાં કોંગ્રેસના આગેવાનો સાથે ખેડૂત આગેવાનોએ પણ તેજાબી ભાષણો દ્વારા સરકાર અને વીજ કંપનીઓ સામે આક્ષેપો કર્યા હતા.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ અને કોંગ્રેસના પ્રદેશ આગેવાનો પાલભાઈ આંબલીયા, લાલજીભાઈ દેસાઈએ આ મંચને રાજકીય નહીં પણ ખેડૂતોનો મંચ ગણાવ્યો હતો. વી.કે. હુંબલે ખેડૂતોની પીડા સાંભળી સરકાર અને તંત્રને જગાડવાની હાકલ કરી હતી. પોલીસે ખેડૂતોને સભામાં આવતા અટકાવ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. પાલભાઈ આંબલિયાએ જે ટેલિગ્રાફ કાયદો અસ્તિત્વમાં નથી એ કાયદા હેઠળ વીજ કંપનીઓ દ્વારા કરાતી કાર્યવાહી ગેરકાયદેસર હોવાનું જણવ્યું હતું. અદાણી કંપનીની વેબ સાઇટ ઉપર ખેડૂતોને અપાતા વળતર અંગેની માહિતી ખોટી હોવાનો આક્ષેપ કરી ખેડૂતોને પૂરા વળતર સાથે મોબાઇલ ટાવરની જેમ માસિક ભાડું આપવાની માંગ કરી હતી. લાલજીભાઈ દેસાઈએ આ લડતને ખેડૂતોની લડત ગણાવી હતી. ખેડૂત આગેવાનો પ્રવીણભાઈ પટોડીયા અને અજય મહારાજે જણાવ્યું હતું કે કિસાન અને જવાન બંનેએ કોઈની ગુલામી કરી નથી કરશે પણ નહીં. તેમણે લડેંગે ઓર જીતેંગે નો સૂત્રોચાર કરી ખેડૂતોનો આક્રોશ ઠાલવ્યો હતો. ભુજની કલેક્ટર કચેરીમાં રજૂઆત બાદ સૂત્રોચાર કરાયા હતા. કાર્યક્રમમાં આદમ ચાકી, લખન ધુવા, અરજણ ભુડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન વ્યવસ્થા રામદેવસિંહ જાડેજા, ગની કુંભાર, મુસ્તાક હિંગોરજા, અંજલિબેન ગોર એ સાંભળી હતી.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
