<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

પોરબંદર જિલ્લામાં ૧૪ કરોડથી વધુના વિકાસ કામોનું અર્જુનભાઇ મોઢવાડિયાના હસ્‍તે ખાતમુહુર્ત અને લોકાર્પણ

 

વિસાવાડા બ્રીજ પાસે સીમ રોડનું રીસરફેસીંગઃ કુણવદર-સોઢાણા રોડ કોઝ-વે તથા ભારવાડા-વિંજરાણા રોડ સહિત અનેક ગામોમાં રસ્‍તાઓની સુધારણા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨પઃ  પોરબંદર જિલ્લામાં વન અને પર્યાવરણ, ક્‍લાઇમેન્‍ટ ચેન્‍જ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્‍તે રૂપિયા ૧૪ કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા.

કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના વરદ હસ્‍તે વિસાવાડા બ્રીજની પાસે વિસાવાડા મરસીયા સીમ રોડના રૂ. ૨૧૦ લાખના ખર્ચના રીસરફેસીંગ કાર્ય તેમજ મોઢાવાળા ખાતે રૂ.૧૧.૧૯ લાખ ખર્ચના સારણ વોકળા કોજવે, શિંગડાના પાટિયા પાસે રૂ.૨૦૦ લાખના ખર્ચે શીશલી વડાળા રોડ, રૂ.૧૨૦ લાખના ખર્ચે શિંગડા એપ્રોચ રોડ, રૂ. ૪૨૨ લાખના ખર્ચના શીશલી ફટાણા રોડ તથા કુણવદર તળાવની બાજુમાં રૂ. ૨૪.૨૩ ખર્ચના કુણવદર સોઢાણા રોડ કોજવે નં. ૧ અને ૨ ના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું. સાથે જ રૂ. ૩૩ લાખના ખર્ચે નિર્મિત આયુષ્‍માન આરોગ્‍ય મંદિર, ભારવાડાનું લોકાર્પણ, રૂ.૫ લાખના એમ.પી. ગ્રાન્‍ટના કામ તથા રૂ.૧૭૦ લાખના ખર્ચના ભારવાડા વિંજરાણા રોડના વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું.

મંત્રીશ્રી અર્જુનભાઇ એ લોકાર્પણ અને ખાતમુહુર્ત પ્રસંગે ગ્રામજનોને આગામી સમયમાં હાથ ધરાનાર કામો અંગે માહિતી આપી હતી અને સહકારની અપેક્ષા વ્‍યક્‍ત કરી હતી. તેમજ ભારવાડા આયુષ્‍ય મંદિર ખાતે મહાનુભાવોના હસ્‍તે વળક્ષારોપણ પણ કરવામાં આવ્‍યું હતું.

ખાત મુહુર્ત અને લોકાપર્ણ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચેતનાબેન તિવારી,  તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઇ કારાવદરા, અગ્રણી સામતભાઇ ઓડેદરા, ભુરાભાઈ કેશવાલા, પ્રતાપભાઈ કેશવાલા, વિજયભાઈ મોઢવાડિયા, રાણાભાઈ મોઢવાડિયા, ભરતભાઈ મોઢવાડિયા સહિત સ્‍થાનિક સરપંચશ્રીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, સંલગ્ન વિભાગીય અધિકારીઓ, સ્‍થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્‍યામાં સ્‍થાનિક નાગરિકો ઉપસ્‍થિતિ રહ્યા હતા

(11:10 AM IST)