News of Tuesday, 25th November 2025
સરતાનપર બંદરે પોટલી પી ને ત્રણ માણસો સહિત આયશરને બાળવાનો પ્રયાસઃ પોલીસ પર પથ્થર ફેંકયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૫: તળાજા ના સરતાનપર બંદર ગામે ગઈકાલ રાત્રે આયશર ટ્રક લઈ ખેત મજૂર ભરવા ગયેલા વાહન ચાલક અને તેમાં બેસેલ બે વ્યક્તિ મળી કુલ ત્રણ વ્યક્તિ ને વાહન સાથે જીવતા સળગાવી દેવાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવમાં પોલીસ પહોંચી ત્યારે તેમના પર પથ્થર ફેંકયા હોવાનું સત્તાવાર સાધનો એ જણાવ્યું હતુ. આરોપીઓ એ દેશી દારૂ પી ને આ કાંડ કર્યો હતો.
જેસલ રમેશભાઈ ચૌહાણ ઉ.વ.૨૬, રે.સરતાનપર બંદર એ ગામના જ મનું હાજકુભાઈ બારૈયા અને મેહુલ જીતુ બારૈયા વિરુદ્ધ મા તળાજા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બંને ઈસમ પર આરોપ છેકે ગઈકાલ રાત્રે ૮ વાગે ગામના જીવરાજ ગવાભાઈ મકવાણા નો ફોન આવેલ હતો. ૧૩ ખેત મજૂરો ને આયશર મા લઈ કોડીનાર મુકવા જવાના હતા. આથી ફરિયાદી આયશર ટ્રક નં. જીજે ૦૫-બી ઝેડ ૮૦૨૧ લઈ ગામમાજ પેસેન્જર ભરવા જતા હતા.એ સમયે તેમની સાથે કાકા શૈલેષ ગોબરભાઈ અને કમલેશ ગોબરભાઈ સાથે હતા.
આગળ જતાં રસ્તામા બાઇક આડું પડેલ હોય હોર્ન મારતા મકાન માંથી બંને આરોપીઓ બહાર આવેલ અને હોર્ન મારવા બાબતે ઉશ્કેરાયેલા. એક ના હાથમાં ભાલું અને બીજાના હાથમાં ખુલ્લી તલવાર હતી. બંને એ ગાડી ના કાચ તોડી નાખ્યા હતા. એટલેથી ન અટકી ને ઘરમાં પડેલ પાંચ લીટર ડીઝલ નું કેન લાવી આયશર પર છાંટી દીવાસળી ચાંપી ને બાળવા નો પ્રયાસ કરતા દીવાસળી લઈ ને ઓલવી નાખી હતી. આ માથાકૂટ ચાલતી હોય કોઈએ ૧૧૨ ને ફોન કરતા તળાજા પોલીસ દોડીગઈ હતી. પોલીસ ને જોઈ ને બંને આરોપી ભાગવા જતા મનુભાઈ ને હાથ સહિતના ભાગે ઇજાઓ થતા ૧૦૮ બોલાવી ને પોલીસ દ્વારા જ તળાજા અને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. રેફરલ હોસ્પિટલ સત્તાવાર સાધનો એ જણાવ્યું હતુ કે આ બંને આરોપી એ પોલીસ પર પથ્થર ફેંકી ઇજા કરવાનો પ્રયાસ કરેલ હતો. જ્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા આરોપી એ મીડિયા બાઈટ આપતા કહ્યું હતુંકે નોનવેજ સાથે દારૂ ની પોટલી પીધી હતી. બંને નશામાં હતા ને આ ઘટના ને અંજામ આપ્યો હતો.
પોલીસે હત્યાની કોશિશની કલમ લગાવી
તળાજા પોલીસે આયશર મા ત્રણ વ્યક્તિ બેઠા હોવા છતાંય આયશર ટ્રક ને આગ લગાવવા નો પ્રયાસ કરવાના આરોપ ના મામલે BNS ની કલમ ૧૦૯(૧) લગાવી છે.જે આઇપીસી ૩૦૭ તરીકે સંબોધવામાં આવતી હતી. એ ઉપરાંત ૩૨૪(૪) લગાવી છે જે વાહન ને રૂ.૨૧૦૦૦/- નું નુકશાન થયેલ છે તે બાબતે છે.આ બંને કલમો ને આધીન આરોપીઓ દોષિત ઠરે તો સજા અને દંડ ની જોગવાઈ છે.
કોણ કયાં વેચે છે તેમ ન કહ્યું
આરોપી મનુભાઈ હાજકુંભાઈ બારૈયા એ હોસ્પિટલ મા સારવાર દરમ્યાન મીડિયા બાઈટ મા કબુલ્યું હતુંકે પોતે એક પોટલી પીધી હતી. જોકે કયાંથી લાવ્યા અને કોણ વેચે છે તેના જવાબ સમયે મૌન થઈ ગયા હતા.
તળાજામાં થોડા દિવસ બંધ રહ્યા બાદ...
જિલ્લા પોલીસ વડા પાંડે એ ચાર્જ સંભાળ્યા બાદ તળાજા મા થોડા સમય માટે ખુલ્લેઆમ વેંચતા દેશી દારૂ મળવો બંધ થઈ ગયો હતો. જેને લઈ નગર જનો ખૂબ રાજી થયા હતા. ખાસ કરીને વેપારી વર્ગ એ હાંશકારો અનુભવેલ. ફરી ને દેશી દારૂ વેચાવા લાગ્યો છે. જેને લઇ થોડા દિવસ પહેલા વેપારી આગેવાન દ્વારા પોલીસ અધિકારી ને ફોનકર્યો હતો.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
