<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

ધ્રોલમાં ટ્રક આગ મોકડ્રિલમાં ચાર ટીમોનું સંકલનઃ ઈજાગ્રસ્‍તોને CHC ખાતે ખસેડાયા : જુઓ વિડિયો

અગ્રવાલ રોડલાઇન્‍સના આયોજનથી કટોકટીમાં ત્‍વરિત પ્રતિભાવ અને તબીબી સહાયની સજ્જતા ચકાસાઈ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલઃ તા. રપ, ધ્રોલ માર્ગ સલામતી અને કટોકટી વ્‍યવસ્‍થાપનને સર્વોચ્‍ચ પ્રાથમિકતા આપતા, જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આજે એક મહત્‍વપૂર્ણ સંયુક્‍ત મોક ડ્રિલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કવાયતનું આયોજન અગ્રવાલ રોડલાઇન્‍સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

‘માલસામાન ભરેલા ટ્રકના ટાયરમાં આગ લાગવાના ગંભીર દૃશ્‍ય પર આધારિત આ કવાયતમાં ધ્રોલ ફાયર, કાલાવડ ફાયર, ધ્રોલ ૧૦૮ ઇમરજન્‍સી સેવા અને ધ્રોલ પોલીસ સહિતની ચાર ટીમોએ સક્રિયપણે ભાગ લીધો હતો. ઇમરજન્‍સીની જાણ થતાં જ ધ્રોલ ફાયર અને કાલાવડ ફાયરની ટીમોએ આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી, જ્‍યારે ધ્રોલ પોલીસ વિભાગે સ્‍થળ પર સુરક્ષા અને ટ્રાફિક વ્‍યવસ્‍થા સંભાળી હતી.

સૌથી મહત્‍વપૂર્ણ ભાગમાં, ધ્રોલ ૧૦૮ ઇમરજન્‍સી સેવા દ્વારા ઈજાગ્રસ્‍તોને તાત્‍કાલિક પ્રાથમિક સારવાર આપીને, તેમને વધુ સારવાર માટે ધ્રોલ સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર (CHC) ખાતે ઝડપથી ખસેડવાની સમગ્ર પ્રક્રિયાનું સફળતાપૂર્વક નિદર્શન કરવામાં આવ્‍યું હતું.

આ કવાયત દ્વારા તમામ ટીમોએ કટોકટીની સ્‍થિતિમાં તેમનું ઉત્તમ સંકલન અને તબીબી સહાય પૂરી પાડવાની તત્‍પરતા સફળતાપૂર્વક ચકાસી હતી.

(1:17 PM IST)