News of Wednesday, 26th November 2025
માળીયા મિંયાણા પાસે ટેન્કરમાંથી ડિઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ : ૩૬ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે
સ્થાનીક પોલીસે દરોડો પાડતા એક આરોપી નાસી ગયો : ટેન્કર ચાલકને ઝડપી લેવાયો

તસ્વીરમાં પકડાયેલ શખ્સ (નીચે બેઠેલા) સાથે પોલીસ સ્ટાફ અને ટેન્કર નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૬: માળીયા મિયાણા પંથકમાં ડિઝલચોરીનું વ્યાપક કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે સ્થાનિક પોલીસે બાતમીને આધારે નવલખી રોડ પર નાના દહીંસરા ગામના રેલવે ફાટક પાસે દરોડો પાડી ટેન્કરમાંથી ડીઝલ ચોરી રંગેહાથ ઝડપી લઈ ટેન્કર ચાલકની ધરપકડ કરી હતી.જો કે, દરોડા દરમિયાન ડીઝલ ચોર એક આરોપી નાસી ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ જામનગર - કચ્છ હાઇવે પર મોટા પ્રમાણમાં ડીઝલ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોય માળીયા મિયાણા પોલીસ સતર્ક બની છે. દરમિયાન ગઈકાલે માળીયા મિયાણા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન નવલખી રોડ પર નાના દહીંસરા ગામના રેલવે ફાટક પાસે ટેન્કરમાંથી ડિઝલનો જથ્થો ચોરવામાં આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડતા જીજે - ૩૬ - ટી - ૭૫૩૬ નંબરના ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે ટેન્કર ચાલક આરોપી ઈમ્તિયાઝ સુલેમાનભાઈ ગજિયા ઉ.૪ ૩૪ રહે.રાજપાર્ક, જામનગર વાળાને ઝડપી લીધો હતો. જ્યારે ડીઝલ ચોરી રહેલા આરોપી હરદેવ રાણાભાઈ છૈયા રહે.જસાપર તા.માળીયા મિયાણા નામનો શખ્સ નાસી ગયો હતો.પોલીસે બનાવ સ્થળ પરથી ટેન્કર સહિત કુલ રૂપિયા ૩૬,૬૫,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી જાતે ફરિયાદી બની બન્ને આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કાયદાની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
