News of Wednesday, 26th November 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર LPG સિલિન્ડરના સંગ્રહ અને વેચાણ સામે પુરવઠા વિભાગની મોટી કાર્યવાહી : લીંબડી-ધંધુકા હાઈવે પર આવેલી એક રેસ્ટોરન્ટમાંથી અંદાજિત ₹7.16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જર અને તેમની ટીમે શ્રી રામ રેસ્ટોરન્ટ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૨૬ : સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર LPG સિલિન્ડરના સંગ્રહ અને વેચાણ સામે પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. લીંબડી-ધંધુકા હાઈવે પર આવેલી એક રેસ્ટોરન્ટમાંથી અંદાજિત ₹7.16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જર અને તેમની ટીમે શ્રી રામ રેસ્ટોરન્ટ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન, રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાં જાહેર સ્થળે LPG કોમર્શિયલ સિલિન્ડરોનો અનધિકૃત સંગ્રહ અને વેચાણ થતું હોવાનું માલૂમ પડ્યું હતું. સ્થળ પરથી Go Gasના સંચાલક કિશનભાઈ દશરથભાઈ પાડલીયા અને Earth Gasના સંચાલક દશરથભાઈ પાડલીયા દ્વારા સંગ્રહ કરાયેલા કુલ 54 LPG સિલિન્ડર મળી આવ્યા હતા, જેમાં 16 ભરેલા અને 38 ખાલી સિલિન્ડરનો સમાવેશ થાય છે.
સંચાલકો પાસે આ જથ્થાના સંગ્રહ કે વેચાણ માટે કોઈ પણ પ્રકારના લાઇસન્સ, PESO લાઇસન્સ કે ફાયર સેફ્ટીની મંજૂરી નહોતી. જાહેર સલામતીની પરવા કર્યા વગર ચલાવાતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ, ટીમે તુરંત કાર્યવાહી કરીને ₹1,41,900ની કિંમતના તમામ 54 સિલિન્ડર અને ₹5,75,000ની કિંમતનું એક વાહન જપ્ત કર્યું હતું. આમ, કુલ ₹7,16,900નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
