<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

સાવરકુંડલા-મહુવા રોડ પર આવેલા ગરનાળામાં એક ટ્રક ફસાઈ જતાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો

સાવરકુંડલાથી મહુવા અને રાજુલા તરફ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા-મહુવા રોડ પર આવેલા ગરનાળા (રેલવે ફાટક નીચેના નાળા) માં એક ટ્રક ફસાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાના કારણે સાવરકુંડલાથી મહુવા અને રાજુલા તરફ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો, જેને પગલે હાઈ-વે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, રોડ પર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી વાહનોને રેલવેના આ ગરનાળા નીચેથી ડાયવર્ઝન લઈને પસાર થવું પડતું હતું. જોકે, ટ્રક ચાલકે ગરનાળાની ઊંચાઈનો અંદાજ ન હોવાથી ટ્રક અંદર પસાર થવા જતા ફસાઈ ગયો હતો. ટ્રક ફસાતાની સાથે જ મહુવા રોડ પર પસાર થતાં વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

 

સ્થાનિકોની મદદ અને તંત્રની તાત્કાલિક કાર્યવાહી બાદ આખરે ટ્રકને ગરનાળામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. હાલમાં આ માર્ગ પુનઃ શરૂ કરી દેવાયો છે અને ટ્રાફિક ધીમે ધીમે સામાન્ય બની રહ્યો છે.

(8:26 PM IST)