તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
અમરેલીના જાળિયા ગામે ગૌચર જમીનમાંથી માટી લેવાતા માલધારીઓમાં રોષ: ઉગ્ર આંદોલનની ચીમકી
જાળિયા ગામમાં 1500થી 2000 જેટલા માલઢોર સાથે ગૌચરમાં સામુહિક વિરોધ કરવામાં આવ્યો

અમરેલીઃ જિલ્લાના જાળિયા ગામે ગૌચર જમીનમાંથી માટી લેવાતા માલધારીઓમાં રોષ વ્યાપ્યો છે. મોટી સંખ્યામાં માલઢોર અને પશુઓ સાથે માલધારીઓ દ્વારા ગૌચરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત માલધારી સમાજ દ્વારા ગૌચર બચાવો, નહીં તો આંદોલન ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
અમરેલી તાલુકાના ગાવડકાથી બગસરા માર્ગના બે-લેન અપગ્રેડેશન પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલા માટીકામને લઈને જાળિયા ગામના માલધારી પશુપાલક સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાયો હતો. માહિતી મુજબ, પ્રોજેક્ટ માટે શ્રી કન્સ્ટ્રક્શનને સ.નં. 0 બિનનંબરી 6માંથી લગભગ 5000 મેટ્રિક ટન માટી ઉપાડવાની પરવાનગી આપવામાં આવી છે. છતાં પરવાનગીવાળા સ્થળે નહીં પણ અન્ય સ્થળે, એટલે કે સ.નં. 90ની ગૌચર જમીનમાંથી માટી ઉપાડવાનો માલધારીઓએ આક્ષેપ કર્યો છે. તેને કારણે માલધારીઓમાં રોષ ફેલાયો છે.
ગૌચર જમીન માલધારી સમાજ માટે આજીવિકાનો આધાર હોવાથી આજે જાળિયા ગામમાં 1500થી 2000 જેટલા માલઢોર સાથે ગૌચરમાં સામુહિક વિરોધ કરવામાં આવ્યો છે. માલધારીઓનું કહેવું છે કે, તેઓ અગાઉ કલેક્ટર તથા પ્રાંત અધિકારીને રજૂઆત કરી ચૂક્યા છે, છતાં યોગ્ય ન્યાય નહીં મળતા તેમને આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે.
વિરોધ દરમિયાન ‘ગૌચર બચાવો’ના સૂત્રોચ્ચાર સાથે માલધારીઓએ ચીમકી ઉચ્ચારી કે, ‘જ્યાં સુધી ગૌચરમાં ખોદકામ અને માટી ઉપાડવાની પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ નહીં થાય, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.’ માલધારી સમાજે ગૌચર જગ્યા બચાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની તંત્રને માગ કરી છે.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
