<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

ભૂજમાં પોલીસ પતિ પત્‍ની વચ્‍ચે ગૃહકંકાસઃ પત્‍ની, સાસુ ઉપર પેટ્રોલ છાંટી રૂમમાં પુરી ગેસ ચાલુ કરી સળગાવી નાખવાનો પ્રયાસ

અમદાવાદ રથયાત્રાના બંદોબસ્‍ત વેળા ગઢશીશાના કોન્‍સ. અલ્‍તાફ પંજાને લોકરક્ષક કિરણબેન સાથે મુલાકાત થયા બાદ અમરેલીમાં લગ્ન થયા'તા

 

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ, તા. ર૭ :  એરપોર્ટ રોડ પર આવેલા ૩૬ ક્‍વાર્ટરમાં રહેતા મહિલા પોલીસ કર્મચારી કિરણબેન અલ્‍ફાઝ પંજા પર તેના પોલીસ કર્મચારી પતિ અલ્‍ફાઝ ઇકબાલ પંજાએ પેટ્રોલ છાંટી રૂમને બહારથી કડી મારી ગેસનો ચૂલો ચાલુ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બનાવમાં ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે.

ફરિયાદી લોક રક્ષક કિરણબેન અલ્‍ફાઝ ઇકબાલ પંજાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ નલિયા પોલીસ સ્‍ટેશનમાં એલઆર વુમન પોલીસ કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવે છે. અમદાવાદ રથયાત્રામાં પોલીસ બંદોબસ્‍ત દરમિયાન  ગઢશીશા (તા.માંડવી) પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા એલઆર પોલીસ કોન્‍સ્‍ટેબલ અલ્‍ફાઝ ઇકબાલ પંજા સાથે મુલાકાત થઇ હતી. બાદમાં પરિવારની સહમતીથી અમરેલી ખાતે લગ્ન કર્યા હતા. ફરિયાદીના માતાને ઘુટણના ભાગે તકલીફ હોવાથી સારવાર માટે ભુજ આવવું પડતું હતું. જેથી ૩૬ ક્‍વાર્ટરમાં મકાનમાં રહેતા હતા. પતિ ભુજ આવતા એ દરમિયાન ઘરની બાબતોમાં તેમજ નોકરીની બાબતોમાં શક-વહેમ રાખી  ત્રાસ આપી ગાળો આપી માર મારવામાં આવતો હતો.

ફરિયાદીને વતનમાં અમરેલી મતદાર સુધારણા યાદી માટે જવાનું હોઇ રજા લીધી હતી જ્‍યારે તેમના પતિ ગળહમંત્રીના બંદોબસ્‍તમાં ગઢશીશાથી ભુજ ખાતે આવ્‍યા હતા. ૨૫ તારીખે સવારે ફરિયાદી પોતાના પતિનો મોબાઇલ જોતા હતા ત્‍યારે પતિએ શેર બજારમાં રૂપિયા રોકયા હોવાનું જણાઇ આવતા શેર બજારમાં ન રમવા અને પૈસાનો ખોટો બગાડ કરવાની ના પાડતા  પતિએ ઉશ્‍કેરાઇને ગાળો આપી માર માર્યો હતો અને ફરિયાદીના માતા વચ્‍ચે પડતા તેઓને ધક્કો મારી દીધો હતો. ફરિયાદીના ઘરે રાખેલ અડધો લિટર પેટ્રોલ ભરેલી બોટલ લઇને આવી ફરિયાદીને સળગાવી મારી નાખવા માટે તેમના પર ઢોળી માતાને માર મારવામાં આવ્‍યો હતો.

ત્‍યારબાદ ફરિયાદી અને તેમની માતા બન્ને જણાને પતિએ રૂમમાં પૂરી કડી મારી દીધી હતી તેમ જ રસોડામાં ગેસનો ચૂલો ચાલુ કરી આરોપી જતા-જતા ધમકી આપી ગયો કે, તમને જાનથી મારી નાખવા છે. આખા ઘરમાં ગેસની વાસ આવવા લાગતા ફરિયાદીએ બૂમાબૂમ કરતા અવાજ સાંભળી ઉપર રહેતા મહિલા દોડી આવ્‍યા અને ગેસ બંધ કરી દરવાજો ખોલી બહાર કાઢયા હતા. આ બાબતે ભુજ એ-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે. ગઢશીશા પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા કોન્‍સ્‍ટેબલ પતિ અલ્‍ફાઝ ઇકબાલ પંજા દ્વારા ફરિયાદીને લગ્ન જીવન દરમિયાન શારીરિક માનસિક ત્રાસ આપી પેટ્રોલ છાંટી રૂમમાં પૂરી દઇ સળગી જાય તે માટે ગેસનો ચૂલો ચાલુ રાખી ગુનો આચરવામાં આવતા વિવિધ કલમો તળે ફરિયાદ નોંધવામાં આવી હતી. (૯.૧પ) 

(10:59 AM IST)