<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

ખેતરના હલણ મામલે શેઢા પડોશીના હુમલામાં ખેડૂત કાળુભાઇ પરમારનું મોતઃ બનાવ હત્‍યામાં પલ્‍ટાયો

જસદણના ગોંડલાધારનો બનાવઃ બે મહિનાથી સારવાર બાદ ખેડૂતે રાજકોટમાં દમ તોડયો : જસદણ પોલીસે મૃતકના ભત્રીજા ભુરાભાઇ પરમારની ફરિયાદ પરથી દેહુર પરમાર અને તેના પુત્ર રાહુલ ઉર્ફ મંગળા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતોઃ મૃતક અને ભત્રીજા સંજય સામે પણ વળતો ગુનો દાખલ થયો હતો

રાજકોટ તા. ૨૭: જસદણના ગોંડલાધાર ગામે બે મહિના પહેલા ખેતરના હલણ મામલે થયેલી મારામારીમાં ગંભીર ઇજા પામનારા ખેડુત પ્રોૈઢનું રાજકોટમાં સારવારમાં મોત થતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો છે. હત્‍યાનો ભોગ બનનાર પ્રોૈઢ સહિત બે જણા સામે વળતી ફરિયાદ પણ જે તે વખતે દાખલ થઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલાધાર ગામે રહેતાં કાળુભાઇ વશરામભાઇ પરમાર (ઉ.વ.૫૦) ઉપર ગત ૧૮/૯ના રોજ સીમમાં આવેલી પોતાની વાડીએ હતાં  ત્‍યારે શેઢા પાડોશી પિતા-પુત્રએ લોખંડના પાઇપ કે બોથડ પદાર્થથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં રાજકોટ સારવાર માટે ખસેડાયા બાદ રજા અપાઇ હતી. ગઇકાલે ફરી દાખલ કરાયા બાદ આજે સવારે મોત થતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો છે. આ બનાવમાં જસદણ પોલીસે ગોડલાધાર ગામે રહેતાં ભુરાભાઇ રાહાભાઇ પરમાર (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી તેના જ ગામના દેહુરભાઇ દીલાભાઇ પરમાર અને રાહુલ ઉર્ફ મંગળુ દેહુરભાઇ પરમાર વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો. સારવાર દરમિયાન કાળુભાઇ પરમારનું આજે મોત થયું છે.

ભુરાભાઇ પરમાર-ભરવાડે જણાવ્‍યું હતું કે હું ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવુ છું.  અમે બે ભાઇઓ છીએ અને મારા પિતાજીને ત્રણ ભાઇઓ છે. જેમાં મારા પિતાજી રાહાભાઇ મોટા છે, તેનાથી નાના લાખાભાઇ અને સોૈથી નાના કાળુભાઇ હતાં, કાળુભાઇ મારા સગા કાકા થાય છે. ૧૮/૯ના બપોરે એકાદ વાગ્‍યે હું ગોંડલાધાર મારા ખેતરે હતો ત્‍યારે મારા કાકાના દિકરા ભાઇ જહા પરમારે ફોન કરી કહેલુ કે ગોંડલાધારથી રાહુલનો ફોન આવ્‍યો છે અને તે કહે છે કે તમારા કાળુભાઇને તળાવમાં આવેલી વાડીએ રસ્‍તામાં મારા પિતા દેહુરભાઇએ માર માર્યો છે, તમે કાળુભાઇને લઇ જાઓ.

આથી હું, મારા ભાઇ ઘુઘા રાહાભાઇ સહિતના મોટરસાઇકલ લઇ પાટીયાના તળાવ તરફ વાડીએ જતાં ત્‍યાં મારા કાકા કાળુભાઇ તાળવ કાંઠે રસ્‍તામાં થોરની વાડમાં પડેલા હતાં અને કંઇ બોલતા નહોતો. ૧૦૮ બોલાવી અમે જસદણ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતાં અને ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કર્યા હતાં. કાકા કાળુભાઇને માથામાં ગંભીર ઇજા હોવાનો રિપોર્ટ આવ્‍યો હતો. મારા કાકા કાળુભાઇની વાડી પાણીયા તળાવવાળી સીમમાં છે, તેની બાજુમાં જ દેહુર પરમારની જમીન પણ છે. આ બંને વચ્‍ચે હલણ બાબતે-રસ્‍તામાં ચાલવા બાબતે ઝઘડો ચાલતો હોઇ ખાર રાખી દેહુરભાઇ અને તેના દિકરા રાહુલ ઉર્ફ મંગળાએ લોખડની વસ્‍તુથી હુમલો કરી મારા કાકા કાળુભાઇને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ફરિયાદ પરથી મારામારીનો ગુનો નોંધાયો હતો. કાળુભાઇને રજા અપાતાં ઘરે સારવાર ચાલુ હતી. ગઇકાલે ફરી તબીયત બગડતાં રાજકોટ ખસેડાયેલ.

રાજકોટમાં આજે સવારે કાળુભાઇ પરમારનું મોત થતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો છે. હત્‍યાનો ભોગ બનેલા કાળુભાઇ પરમાર ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. સંતાનમાં બે દિકરા અને ત્રણ દિકરી છે. પોતે ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં.

આ બનાવમાં સામા પક્ષે દેહુરભાઇ દોલાભાઇ પરમાર (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી કાળુભાઇ વશરામભાઇ પરમાર અને સંજય લાખાભાઇ પરમાર વિરૂધ્‍ધ પણ મારામારીનો ગુનો નોંધાયો હતો. હલણ બાબતે આ બંનેએ ઝઘડો કરી દેહુરભાઇ ઉપર કુહાડીથી હુમલો કરી ઇજા પહોંચાડયાનો આરોપ મુકાયો હતો. જસદણ પોલીસ વધુ તપાસ કરે છે.

(11:39 AM IST)