News of Thursday, 27th November 2025
શાપરમાં ગેસ લિક થઇ રૂમમાં ભરાયો, યુવાને અજાણતાં સિગારેટ સળગાવતાં આગઃ બે દાઝ્યા
મુળ યુપી અને એમપીના મોનુ અને કિશોર ગંભીર રીતે દાઝતાં રાજકોટ સારવાર માટે ખસેડાયા

રાજકોટ તા. ૨૭: શાપર વેરાવળમાં કંપનીમાં કામ કરતાં અને ત્યાંની જ રૂમમાં રહેતાં યુપી અને એમપીના બે યુવાન મોડી રાતે ગેસનો નાનો બાટલો લિકેજ થયા બાદ આગ ભભૂકતાં દાઝી જતાં બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. રાતે બંને રૂમમાં સુતા હોઇ બાટલામાંથી ગેસ લિક થઇ રૂમમાં ભરાયો હતો. મોડી રાતે એક યુવાનને સિગારેટ પીવાની ઇચ્છા થતાં સિગારેટ સળગાવતાં જ ભડકો થયો હતો.
જાણવા મળ્યા મુજબ શાપરમાં શીતળા માતાજીના મંદિર નજીક આવેલી રાજઋષી કંપનીમાં કામ કરતાં અને ત્યાં જ આવેલી રૂમમાં રહેતો બિહારનો મોનુ દિલીપભાઇ કોૈલ (ઉ.વ.૧૯) અને મધ્યપ્રદેશનો કિશોર રાજુભાઇ બસરા (ઉ.વ.૨૨) રાતે અઢી વાગ્યે રૂમમાં આગ લાગતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, અમૃતભાઇ સહિતે કરતાં શાપર પોલીસે રાજકોટ પહોંચી કાર્યવાહી કરી હતી.
મોનુ મુળ બિહારનો છે અને બે બહેનનો એકનો એક ભાઇ છે. જ્યારે કિશોર મુળ એમપીનો વતની છે અને બે ભાઇમાં મોટો છે. આ બંને અપરિણીત છે. મોનુએ કહ્યું હતું કે અમારા રૂમમાં નાનો પાંચ કિલોનો ગેસનો બાટલો રાખ્યો હતો. તેમાંથી રાતે ધીમે ધીમે ગેસ લિક થયો હતો અને રૂમમાં ભરાઇ ગયો હતો. રાતે અઢી વાગ્યે કિશોર જાગ્યો હતો અને તેણે સિગારેટ પીવા માટે દિવાસળી સળગાવતાં જ ગેસ લિક થયેલો હોઇ તેના કારણે આગ લાગી હતી. શાપર પોલીસે બંનેના નિવેદન નોંધવા તજવીજ કરી હતી.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
