<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

ઘાંટીલા નજીક રણમાં ગેરકાયદેસર મીઠાનું ઉત્‍પાદન કરાતું હોવાનો વિડીયો વાયરલ

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૨૭: માળિયા તાલુકાના ઘાંટીલા નજીક આવેલ રણમાં ગેરકાયદે મીઠાનું ઉત્‍પાદન કરવામાં આવતું હોવાનો વિડીયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થયો છે વાયરલ વિડીયોમાં મીઠાનું ઉત્‍પાદન થતું જોવા મળી રહ્યું છે અને વન વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

વિડીયો કયારનો છે તે સ્‍પષ્ટ નહિ પરંતુ વાયરલ થયેલ વિડીયોમાં મીઠાનું ઉત્‍પાદન થતું હોવાનું દેખાઈ રહ્યું છે. મીઠાના ઢગલા કરી ટ્રકમાં માલ ભરવામાં આવતો હોવાનું પણ સ્‍પષ્ટ થયું છે ઘુડખર અભયારણ્‍ય માટે વન વિભાગ સતર્ક હોવાના દાવા પોકળ સાબિત થયા છે  મીઠાનું ઉત્‍પાદન થઇ રહ્યું છે અને વન વિભાગને જાણ પણ ના થઇ તેવા સવાલો નાગરિકોમાં ચર્ચાય રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે રણમાં કેમિકલ ઢોળવામાં આવ્‍યું હોવાનું સામે આવતા જીપીસીબી ટીમે નમુના લીધા હતા અને હવે રણમાં મીઠાનું ઉત્‍પાદન ગેરકાયદે કરવામાં આવી રહ્યું છે ત્‍યારે હવે વન વિભાગ ટીમ નિંદ્રામાંથી જાગે છે ? તે જોવું રહ્યું

(1:29 PM IST)