<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

જુનાગઢ જેલમાં અમુકને વીઆઈપી સુવિધા અપાતી હોવાનો આક્ષેપ, અસુવિધા મુદ્દે ૫૦ કેદીની ભૂખ હડતાલ

જેલ અધિક્ષકે ભૂખ હડતાલને નકારી, આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્‍યા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૮: જુનાગઢ જિલ્‍લા જેલના ૫૦ જેટલા કેદી હોય એ ગઈકાલે સુવિધાના મુદ્દે ભૂખ હડતાલ પાડી હતી. જોકે જેલ અધિક્ષકે ભૂખ હડતાલને નકારી, આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્‍યા હતા.

તાજેતરમાં જૂનાગઢ જેલમાં ૪૦થી વધુ કેદીઓ અને સિપાઈઓ વચ્‍ચે બોલાચાલી થઈ હતી. જેના પગલે ૪૦ થી વધુ કેદીઓ ભૂખ હડતાલ પર ઉતરી ગયા હતા જોકે જેલ અધિક્ષકે સમજાવટથી મામલો થાળે પાડ્‍યો હતો.

આ દરમિયાન ગઈકાલે જુનાગઢ જેલના સર્કલ નંબર એકના ૫૦ થી વધુ કેદીઓ ભૂખ હડતાલ પર ઉતરી ગયા હતા. બીજી તરફ અમુક કેદીને વીઆઈપી સુવિધા આપવામાં આવતી હોવાનું આક્ષેપ કરવામાં આવ્‍યો હતો. કેદીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા બાદ તેમણે બપોરના આવેલા ટિફિન પણ પરત મોકલ્‍યા હોવાની ચર્ચા હતી.

જોકે જેલ અધિક્ષક ડી. એમ. ગોહિલે ભૂખ હડતાલની વાત અને નકારી કાઢી હતી આક્ષેપો પણ પાયા વિહોણા હોવાનું જણાવ્‍યું વધુમાં કહ્યું હતું કે, કેદીઓની કેટલી વાજબી અને ગેરવ્‍યાજબી માગણીઓ હતી. કોઈ કેદીને વધારાની સુવિધા આપવામાં આવતી નથી. જેલમાં ઓવર કેપેસિટી પણ કેદીઓમાં સુવિધા અને અસંતોષનું એક મુખ્‍ય કારણ હોઈ શકે છે.

 

(10:49 AM IST)