<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

ગોંડલ યોજાયેલ SDRF તાલીમ કેમ્પમાં બહાઉદીન સરકારી વિનયન

કોલેજ, જુનાગઢના NSS વિદ્યાર્થીએ તૃતીય ક્રમ મેળવી ગૌરવ વધાર્યુ

જુનાગઢ :.. ગોંડલ ખાતે તાજેતરમાં યોજાયેલા ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ના 'આપદામિત્ર' વિશેષ તાલીમમ કેમ્પમાં જુનાગઢની ઐતિહાસિક બહાઉદીન સરકારી વિનયન કોલેજના એન. એસ. એસ. ના સ્વયંસેવકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

આપતિ વ્યવસ્થાપન વિભાગના માર્ગદર્શન હેઠળ ગોંડલ મુકામે SDRF  ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જુનાગઢ જિલ્લાના નિવાસી અધિક કલેકટર, મામલતદાર અને ડીપીઓશ્રીની દેખરેખ હેઠળ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (જૂનાગઢ) તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (રાજકોટ)ના એન. એસ. એસ.ના કુલ ૪૩ વિદ્યાર્થીઓ (જેમાં ર૮ બહેનો અને ૧પ ભાઇઓ) એ ભાગ લીધો હતો.

સાત દિવસ ચાલેલા કેમ્પમાં એસ. પી. કલ્પેશ ચાવડા, ડીવાયએસપી ચૌધરી, ડીવાયએસપી પરમાર, પીએસઆઇ ડાભી અને અન્ય નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા વિદ્યાર્થીઓને આપતિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કેમ્પના અંતે તાલીમાર્થીઓની લેખિત અને પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં બહાઉદીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢના એન. એસ. એસ. વિદ્યાર્થી સુખાનંદી ભાર્ગવે સમગ્ર કેમ્પમાં તૃતીય ક્રમ (Third Rank) હાંસલ કરી કોલેજનું નામ રોશન કર્યુ છે. આ યશસ્વી સિધ્ધિ બદલ કોલેજના પ્રિન્સીપલ ડો. જે. આર. વાંઝા અને સમગ્ર કોલેજ પરિવારે વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા છે. આ સાત દિવસીય તાલીમમાં બહાઉદીન સરકારી વિનયન કોલેજ, જુનાગઢના એન. એસ. એસ. વિભાગના પ્રોગ્રામ ઓફીસર પ્રા. ભાવિક ચાવડા જોડયા હતાં.

કેમ્પના સમાપન સમારોહમાં જુનાગઢના મામલતદાર અને ડીપીઓશ્રીએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.

(11:34 AM IST)