<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

વહેલી સવારે ઝાકળવર્ષાઃ ઠંડી ઘટી

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં લઘુતમ તાપમાનનો પારો ઉંચે આવી ગયો

 

રાજકોટ, તા. ર૮: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વહેલી સવારે ઝાકળવર્ષા થઇ હતી આવા વાતારવણ વચ્‍ચે ઠંડીમાં ઘટાડો યથાવત છે.

આજે કચ્‍છના નલીયામાં ૧૩.૬ ડિગ્રી, રાજકોટમાં ૧૮, જામનગરમાં ૧૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ આજે સવારે જુનાગઢ સહિત ગિરનાર પર ગાઢ ધુમ્‍મસ છવાઈ ગયુ હતુ અને તાપમાનમાં બીજા દિવસે પણ વધારો થયો હતો.

છેલ્લા ત્રણ દિવસથી સવારના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને જેની સાથે ભેજનું પ્રમાણ પણ વધ્‍યું છે. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૭ ટકાએ પહોંચી ગયું હતું. જેના પગલે ધુમ્‍મસ છવાઈ ગયું હતું અને ઝાકળ વર્ષા પણ થઈ હતી. ગિરનાર પર ધુમ્‍મસના આક્રમણથી સમગ્ર પર્વત ઢંકાઈ ગયો હતો.

આજે સવારે વાતાવરણમાં ભેજ વધવાની સાથે સવારનું લઘુત્તમ તાપમાન પણ વધીને ૧૭.૯ ડીગ્રી નોંધાયું હતું. તાપમાન વધવા છતાં પણ ઠંડીથી લોકોને કોઈ રાહત મળી ન હતી કેમ કે ભેજને લઈને વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ  બાજરા સંશોધન કેન્‍દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૯ સે.ગ્રે. મહતમ તાપમાન ર૯સે.ગ્રે. ભેજનું પ્રમાણ ૬૬ ટકા, પવનની ગતિ ૩.૬ કિ.મી. રહી હતી.

(12:11 PM IST)