<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

સાયલા પાસે પાછળથી ટ્રક અથડાતા પીકઅપ વાનના ચાલકનું કરૂણ મોત

લીંબડીમાં રાજકોટ-અમદાવાદ રૂટની બસને અકસ્‍માત

વઢવાણ તા.૨૯: જિલ્લાના સાયલા-લીંબડી નેશનલ હાઈવે પર નવી મોરવાડ પાસે અને લીંબડી હાઈવે પર સંજીવની હોટલ પાસે અકસ્‍માતના ૨ બનાવો લીંબડી-ચુડા પોલીસ મથકે નોંધાયા છે.  જેમાં નવી મોરવાડ પાસે પીકઅપ ચાલકનું મોત અને કલીનરને ઈજાઓ પહોંચી છે. જયારે એસ.ટી.બસના અકસ્‍માતમાં બસને નુકશાન થયુ છે.

આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના અંબાવ ગામે રહેતા ૨૫ વર્ષીય કીરણભાઈ ચીમનભાઈ પઢીયાર ટ્રકમાં કલીનર તરીકે કામ કરે છે.તા. ૨૬-૧૧ના રોજ તેઓ માલીક વડોદરાના રીંપલભાઈ વિનોદભાઈ પટેલની બોલેરો પીકઅપ કારમાં કલરના ડબલાનો ભંગાર લઈને ચાલક વડોદરાના મંગળભાઈ સાલમભાઈ ગોહીલ સાથે વડોદરાથી કંડલા ગયા હતા. જયાંથી પરત ફરતા તેઓ સાયલા-લીંબડી નેશનલ હાઈવે પર પસાર થતા હતા. જેમાં તા. ૨૭ના રોજ રાત્રે ૧-૫૦ કલાકે નવી મોરવાડ પાસે તેઓને લઘુશંકા કરવી હોઈ પીકઅપ રસ્‍તાની સાઈડમાં ઉભી રાખી હતી. અને પ્રથમ કીરણભાઈ જઈને આવી પીકઅપમાં બેઠા હતા. અને બાદમાં મંગળભાઈ ગયા હતા. ત્‍યારે પાછળથી એક ટ્રક ચાલકે ધડાકાભેર અથડાવતા પીકઅપ આગળ ચાલી હતી. અને મંગળભાઈને અડફેટે લઈ મોત નીપજાવ્‍યુ હતુ. જયારે આ અકસ્‍માતમાં કીરણભાઈને પણ ઈજા થઈ હતી. તપાસ એએઆઈ વી.વી.ગાબુ ચલાવી રહ્યા છે.

કેશોદના વતની ૩૭ વર્ષીય ગોપાલભાઈ અમરાભાઈ ભીંટ હાલ ધ્રાંગધ્રાના હળવદ રોડ પર આવેલ શિવ આકળતી સોસાયટીમાં રહે છે. તેઓ રાજકોટ એસ.ટી.ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. અને કંડકટર વગરની રાજકોટ-અમદાવાદ-રાજકોટ એસ.ટી રૂટની બસ ચલાવે છે. તા. ૨૫-૧૧ના રોજ રાત્રે અમદાવાદ ગીતા મંદિરથી તેઓ બસ લઈને રાજકોટ જવા નીકળ્‍યા હતા. જેમાં રાત્રે આશરે દોઢ કલાકે તેઓ લીંબડી હાઈવે પર હોટલ સંજીવની પાસે પહોંચ્‍યા હતા. અને બમ્‍પ હોવાથી તેઓએ બસ ધીમી કરી હતી. તેઓને લીંબડી બસ મથકમાં જવુ હોય સર્વીસ રોડ પર જતા હતા ત્‍યારે એક ટ્રક ચાલકે તેની ટ્રકનો પાછળનો ભાગ બસના કંડકટર તરફના ભાગ સાથે અથડાવ્‍યો હતો. અને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. આ બસમાં ૩૧ મુસાફરો સવાર હતા. પરંતુ કોઈને ઈજા પહોંચી ન હતી. જયારે એસ.ટી.બસને નુકશાન થયુ હતુ. આ અંગે લીંબડી પોલીસ મથકે એસ.ટી.બસના ચાલકે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ બી.જે.સોલંકી ચલાવી રહ્યા છે.

(1:27 PM IST)