હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાલીતાણામાં પોલીસ સ્ટેશનમાં આપઘાત કરનાર યુવકના મોતનું રહસ્ય અકબંધ
યોગેશભાઈ ડેઢિયાએ ઘી આરતીની ૧૧ લાખની બોલી બોલી હતી

ભાવનગર, તા.૨૯: શેત્રુંજય પર્વતની પ્રખ્યાત ઘી આરતીની ૧૧ લાખ રૂપિયાની બોલીના વિવાદે એક વ્યક્તિનો કરુણ અંત આવ્યો છે. પાલીતાણા પોલીસ સ્ટેશનમાં જ બોલી જીતનાર યોગેશભાઈ ડેઢિયાએ ઝેરી દવા પી લીધી હતી, જેના કારણે સારવાર દરમિયાન તેમનું મળત્યુ થયું. આ ઘટનાથી પાલીતાણા શહેરમાં શોકનો માહોલ છવાયો છે.
આજે સવારે લગભગ ૧૦:૩૦ વાગ્યે યોગેશભાઈ ડેઢિયા પાલીતાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમની સામે આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ફરિયાદ નોંધાઈ હતી કે યોગેશભાઈએ શેત્રુંજયની ઘી આરતીની ૧૧ લાખ રૂપિયાની બોલી જીતી હતી, પરંતુ નિયત સમયમાં રકમ જમા કરાવી નહોતી. આ મુદ્દે પોલીસે યોગેશભાઈને સ્ટેશન બોલાવ્યા હતા.
પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન યોગેશભાઈએ અચાનક ખિસ્સામાંથી ઝેરી દવા કાઢીને પી લીધી હતી. પોલીસ કર્મીઓએ તુરંત તેમને સદવિચાર હોસ્પિટલ ખસેડ્યા પરંતુ ડોક્ટરોએ તપાસ કરતાં જ તેમને મળત જાહેર કર્યા હતા. મળતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.
દર વર્ષે શેત્રુંજય તીર્થમાં ચૈત્રી પૂનમના દિવસે ઘી આરતીની બોલી લગાવવામાં આવે છે. આ વર્ષે યોગેશભાઈ ડેઢિયાએ ૧૧ લાખ રૂપિયાની સૌથી મોટી બોલી લગાવી હતી. પરંતુ નિયત સમયમાં રકમ જમા ન થતાં આણંદજી કલ્યાણજી પેઢીએ પાલીતાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ જ ફરિયાદની તપાસ માટે યોગેશભાઈને સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા.
યોગેશભાઈ લોધા સમાજના જાણીતા વેપારી હતા અને પાલીતાણામાં તેમનું સારું નામ હતું. તેમના આકસ્મિક નિધનથી લોધા સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. સમાજના આગેવાનોએ માંગ કરી છે કે આ મામલાની ઊંડી તપાસ થવી જોઈએ અને જો કોઈ દબાણ કે માનસિક ત્રાસ હોય તો તેનો પર્દાફાશ થવો જોઈએ.
પાલીતાણા પોલીસે આ ઘટનાને આકસ્મિક મોતના કેસ તરીકે નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બંને પક્ષના નિવેદનો લેવામાં આવશે અને જરૂર પડે તો આણંદજી કલ્યાણજી પેઢીના અધિકારીઓના પણ નિવેદન લેવાશે. આ ઘટનાએ ફરી એક વાર બોલી પ્રથા અને તેના નાણાકીય દબાણના મુદ્દાને ચર્ચામાં લાવી દીધો છે.
તેવામાં પોલીસ સ્ટેશનમાં જ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાને લઈને પણ પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. પોલીસની કામગીરી ઉપર પણ પ્રશ્ન ઉઠી રહ્યાં છે. પોલીસ સ્ટેશનમાં શું વાતચીત થઈ, તેને લઈને અત્યાર સુધીમાં કોઈ ખુલાસો થયો નથી. તેથી અનેક રહસ્યો ઉપરથી પડદો ઉઠી શકયો નથી. કેમ યોગેશભાઈએ અચાનક દવા પી લીધી, તેને લઈને પણ સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
