<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

મોરબીમાં શ્રમ અને રોજગાર મંત્રીના વરદ હસ્તે અંદાજે ૭.૧૧ કરોડના સિંચાઈના કામોનું ખાતમુહૂર્ત કરાયું.

યોજનાઓ સાકાર થતા અંદાજિત ૧૨૦૦ હેક્ટરથી વધુ વિસ્તારને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિંચાઈનો લાભ મળશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં માળીયા તાલુકાના નાની બરાર ગામે સિંચાઈના વિકાસ કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જે પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મંત્રીના હસ્તે જિલ્લાના અંદાજે રૂ.૭.૧૧ કરોડના ૬ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ યોજનાઓ સાકાર થતા અંદાજિત ૧૨૦૦ હેક્ટરથી વધુ વિસ્તારને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિંચાઈનો લાભ મળશે. આ સવલત થકી માળિયા વિસ્તારનું કૃષિ ક્ષેત્ર ઊજળું બનશે તથા કૂવાઓનું રિચાર્જ થતા જમીનમાં પાણીના તળ પણ ઊંચા આવશે.
મંત્રીના હસ્તે નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત મોરબી સિંચાઈ વિભાગ(રાજ્ય) તથા સિંચાઈ વિભાગ (પંચાયત) હસ્તકના રૂ. ૨.૦૪ કરોડના ખર્ચે ધોડાધ્રોઈ નદી પર જેતપર – શાપર ગામે નવો ચેકડેમ, રૂ.૩.૦૩ કરોડના ખર્ચે મચ્છુ-૩ મુખ્ય નહેરથી મોટી બરાર – જશાપર તળાવનું જોડાણ, રૂ. ૦.૫૦ કરોડના ખર્ચે મચ્છુ-૩ માઈનોર નહેરથી મેઘપર ગામ તળાવનું જોડાણ, રૂ. ૧.૦૭ કરોડના ખર્ચે નવાગામ – ધરમનગર – રાસંગપર તળાવનું જોડાણ, રૂ. ૦.૩૩ કરોડના ખર્ચે જશાપર – નાની બરાર – જાજાસર – દેવગઢ તળાવનું જોડાણ અને રૂ. ૦.૧૪ કરોડના ખર્ચે મહેન્દ્રગઢ – સરવડ તળાવનું જોડાણના કામ સહિત કુલ રૂ. ૭.૧૧ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૬ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

(10:01 PM IST)