News of Saturday, 29th November 2025
સોશિયલ મીડિયાના માધ્યમથી શેરબજારના નામે 48.14 લાખનું ફ્રોડ કરનાર ગેંગના 4 સભ્યોને મોરબી સાયબર ટીમે ઝડપ્યા.
શેરબજારમાં ટૂંકા સમયમાં મોટો ફાયદો કરાવવાની લોભામણી સ્કીમોમાં ન ફસાવું.: પોલીસની ચેતવણી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી સાયબર ક્રાઈમ ટીમે મોટી સફળતા મેળવી છે. છેલ્લા લાંબા સમયથી સોશિયલ મીડિયા પર શેરબજારમાં રોકાણ કરાવવાની લલચામણી સ્કીમો આપીને લોકોને છેતરતી એક ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે.
ગઠીયાઓએ ફરિયાદીનો સંપર્ક સાધીને તેમને "Y96 SIG Customer service" નામના વોટ્સએપ ગ્રૂપમાં એડ કર્યા હતા અને મોટા આર્થિક ફાયદાની લાલચ આપી હતી. આ રીતે તેઓએ ફરિયાદી પાસેથી કુલ રૂ. 48,14,000/- નું સાયબર ફ્રોડ કર્યું હતું. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને આઈ.ટી. એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
ટેક્નિકલ માહિતીના આધારે તપાસ કરીને પોલીસે રાહુલ હર્ષદભાઇ ચૌધરી, ખુશ નવીનભાઈ ભાલોડીયા, જયદિપ રામભાઇ લગારીયા અને શ્યામ કિશોરભાઈ રૂપાપરા નામના ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસે લોકોને ચેતવણી આપી છે કે સાયબર ગઠીયાઓ દ્વારા સોશિયલ મીડિયા પર બતાવવામાં આવતી શેરબજારમાં ટૂંકા સમયમાં મોટો ફાયદો કરાવવાની લોભામણી સ્કીમોમાં ન ફસાવું.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
