<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

વેશ પલટો કરીને 'ગરાસિયા ગેંગ' દબોચાઈ: ભચાઉના જૈન તીર્થની ચોરીનો ભેદ ઉકેલાયો!

કચ્છ પોલીસની ખાસ ટીમોએ રાજસ્થાનના ગોગંદા ઘાટીના જંગલોમાંથી બે આરોપીઓને ઝડપ્યા; ચોરી કરનાર જૂનો કારીગર જ માસ્ટરમાઇન્ડ.

ભચાઉ, કચ્છ: કચ્છ જિલ્લાના ભચાઉ શહેરમાં આવેલા પવિત્ર નમસ્કાર જૈન તીર્થ માં ગઈ 21-22 નવેમ્બરની રાત્રિ દરમિયાન થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પૂર્વ કચ્છ પોલીસને મોટી સફળતા મળી છે. ચોરીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રચાયેલી ખાસ ટીમોએ ત્વરિત તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ વિશ્લેષણ અને માનવીય ગુપ્ત માહિતીના આધારે પોલીસને જાણવા મળ્યું કે આ ચોરીમાં ગરાસિયા ગેંગ સંડોવાયેલી છે અને ગેંગના સભ્યો રાજસ્થાનના ગોગંદા ઘાટીના દુર્ગમ જંગલ વિસ્તારમાં છુપાયેલા છે.

ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના નેતૃત્વ હેઠળની લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને ભચાઉ પોલીસની ટીમોએ એક અસામાન્ય વ્યૂહરચના અપનાવી. પોલીસે વેશ પલટો કરીને રાજસ્થાનના ગોગંદા ઘાટીના જંગલોમાં ડુંગર પર રાત્રિના સમયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ રોમાંચક ઓપરેશન દરમિયાન, પોલીસે ગરાસિયા ગેંગના બે સભ્યો: ભીમારામ ઉર્ફે ભીમો ખુમારામ ગરાસીયા (ઉં.વ. 25) અને મોહનલાલ સોમારામ ગરાસીયા (ઉં.વ. 38) ને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જોકે, તેમનો ત્રીજો સાથી હીરારામ ઉર્ફે હરીયા જેઠારામ ગરાસીયા હજી ફરાર છે.

પોલીસની તપાસમાં એક ચોંકાવનારી વિગત બહાર આવી છે. પકડાયેલા આરોપી મોહનલાલ સોમારામ ગરાસીયા પોતે પથ્થર કોતરણી કામનો જાણકાર છે અને તેણે જ ચોરી થયેલ મંદિરનું પથ્થર કોતરણી કામ કર્યું હતું. તે મંદિરની ભૌગોલિક પરિસ્થિતિથી સંપૂર્ણપણે વાકેફ હતો. મોહનલાલે પોતાની ગેંગ બનાવીને પોતે સીધો સામેલ ન થતાં પોતાના વિસ્તારના માણસોને મોકલી ચોરીને અંજામ આપ્યો હતો. ચોરોએ પથ્થરની જાળી તોડીને પ્રવેશ કર્યો હતો અને ભગવાનની મૂર્તિઓ પરથી મુગટ, કુંડળ, હાર અને દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી હતી.

પોલીસે આ ચોરીમાં ગયેલો કુલ ₹1.83 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ₹1.10 લાખના ત્રણ સોના-ચાંદીના મુગટ, ₹60,000ના છ કાનના કુંડળ અને રોકડ રકમનો સમાવેશ થાય છે. ફરાર આરોપી હીરારામ ઉર્ફે હરીયા જેઠારામ ગરાસીયાનો ગુનાહિત ઇતિહાસ પણ છે અને તેની સામે રાજસ્થાનના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા છે. ભચાઉ પોલીસે હવે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે રાજસ્થાન પોલીસ સાથે સંકલન સાધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(2:53 PM IST)