News of Monday, 1st December 2025
પ્રેમસંબંધનો કરૂણ અંજામ : મોરબીમાં પ્રેમીકાની હત્યા કર્યા બાદ પોલીસ કસ્ટડીમાં પ્રેમીનું એટેકથી મોત
ઝઘડાના કારણે પ્રેમીએ પ્રેમીકાને પટ્ટા અને લાકડીથી મારી પતાવી દીધી બાદમાં કસ્ટડીમાં પ્રેમીનું પણ મોત નીપજયું

તસ્વીરમાં મોતને ભેટેલ યુવતી અને યુવાનની ફાઇલ તસ્વીર.
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧: મોરબીના લગધીરપુર રોડ પર આવેલ સિરામિક ફેકટરીમાં લેબર ક્વાર્ટરમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. જેમાં લિવ ઇન રિલેશનમાં રહેતા એક પ્રેમીએ તેની પ્રેમિકાને માર મારી હત્યા કરી નાખી છે. જો કે બાદમાં પોલીસે તેની અટકાયત કરતા તેનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. આમ પ્રેમી યુગલની પ્રેમ કહાનીનો કરુણ અંત આવ્યો છે.
આ ચકચારી બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી જનરક્ષક ૧૧૨ ને લગધીરપુર ગામ નજીક આવેલ લેક્સેસ સિરામિક ફેકટરીમાં યુવતીની લાશ પડી હોવાનો કોલ આવતા બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ બનાવ સ્થળે પહોંચી તપાસ શરૂ કરતા મધ્યપ્રદેશની વતની પુષ્પાબેન ગંભીરસિંહ મરાવી ઉ.૨૦ની લાશ લેબરરૂમમાંથી મળી આવી હતી.
વધુમાં મળતક પુષ્પાબેન મરાવીના શરીર પર ઈજાના નિશાન જોવા મળતા પોલીસે પુષ્પાબેન જેમની સાથે રહેતા હતા તેવા પ્રેમી નરેન્દ્રસિંહ કમલસિંહ ધ્રુવેલ ઉ.૨૫ની પૂછતાછ શરૂ કરતા શરૂઆતમાં ગલ્લાતલ્લા કર્યા બાદ આરોપી નરેન્દ્રસિંહે સાંજના સમયે પુષ્પા સાથે ઝઘડો થતા માર માર્યો હોવાનું કબૂલ કર્યું હતું.
બીજી તરફ આરોપી નરેન્દ્રસિંહે પુષ્પાની હત્યાની કબૂલાત આપતા તાલુકા પોલીસ આરોપીને તાલુકા પોલીસ મથકે લાવી હતી અને વિધિવત હત્યા અંગે ગુન્હો નોંધી નરેન્દ્રસિંહની ધરપકડ કરી લોકઅપમાં રાખ્યો હતો. દરમિયાન વહેલી પરોઢે અચાનક નરેન્દ્રસિંહને છાતીમાં દુઃખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેમા હોસ્પિટલમાં ખસેડતી વખતે રસ્તામાં જ નરેન્દ્રસિંહનું મળત્યુ નીપજ્યું હતું.
મોરબીમાં લિવ ઇનમાં રહેતા પ્રેમી યુગલના મોતના ચકચારી બનાવમાં ડીવાયએસપી દલવાડીએ પત્રકાર પરિષદ યોજી વિગતો આપતા જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના વતની યુવક અને યુવતી પરિવારની મંજૂરીથી ત્રણ મહિનાથી મોરબી આવ્યા હતા અને સાથે રહી મજૂરી કામ કરતા હતા. આ કિસ્સામાં મળતક નરેન્દ્રસિંહે યુવતીને પટ્ટા અને લાકડીથી માર માર્યો હોવાની પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે. જયારે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલ નરેન્દ્રસિંહનું હાર્ટએટેકથી મળત્યુ થયું હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
