તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st December 2025
મોરબી-રાજકોટ હાઇવે રીપેર ન થાય તો ચક્કાજામઃ નહી તો ગાંધીનગર સુધી રેલો આવશે
૧પ દિવસમાં રિ-સર્ફેસિંગ નહી થાય તો આંદોલનઃ ભાજપના ધારાસભ્યનો પત્ર કચરા પેટીમાં નાંખ્યો તેમ મારો પત્ર ન નાંખતાઃ મહેશ રાજકોટીયાનો આક્રોશ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. ૧ :.. કચ્છને ગુજરાત સાથે જોડતા મોરબી-રાજકોટ રાજ્ય ધોરી માર્ગની હાલત આજે મગરની પીઠ કરતાંય વધુ ખરાબ થઈ ચૂકી છે. રોજના લાખો વાહનો, કરોડો રૂપિયાનું ઇંધણ વ્યર્થ, વાહનોનું ભારે નુકસાન, દરરોજનો ટ્રાફિક જામ અને નાના-મોટા અકસ્માતો - આ બધું જ આ હાઇવેનું હવે રોજિંદું ચિત્ર બની ગયું છે.
મોરબીના સ્થાનિક નાગરિકે સીધા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય ઈજનેર, કાર્યપાલક ઈજનેર, જિલ્લા કલેક્ટર તથા એસ.પી. સુધી ઉગ્ર ભાષામાં આવેદનપત્ર લખીને ચીમકી આપી છે કે, આવતા ૧૫ દિવસમાં જો રાજકોટ-મોરબી હાઇવેનું રિ-સર્ફેસિંગ (પેવર વર્ક) શરૂ નહીં થાય તો ગામલોકો અને આગેવાનો સાથે મળીને રોડ ચક્કાજામ કરીશું - એમાં કોઈ બાંધછોડ નહીં થાય પત્રમાં આક્ષેપ છે કે વાવડી ચોકડી, પિપળીયા ચોકડી, દલવાડી સર્કલ, શનાળા, લજાઈ અને ટંકારા ચોકડીએ ગોઠણસમા ખાડા પડ્યા છે.
અહીંના સ્થાનિક ભાજપ ધારાસભ્યે પણ લેખિતમાં રજૂઆત કરી હતી, પણ સરકારે તેને કચરાપેટીમાં નાખી દીધી.
ગળહમંત્રી અમિત શાહની મુલાકાત વખતે રાતોરાત શનાળાથી કમલમ સુધી રોડ ચકચકિત કરી દેવાયો, પણ પછી ફરી ભૂલી ગયા!
સિરામિક ઉદ્યોગના કરોડોના માલિકો પણ સરકારના ડરથી મોં બંધ રાખે છે, એસોસિએશનના પ્રમુખો તો બસ પ્રવાહ-વાહ કરવામાં જ મસ્ત છે. કરોડો-અબજો રૂપિયાનો ટોલ વસૂલાય છે, પણ રોડની સ્થિતિ જોઈને લાગે છે કે જનતા ઢોર છે અને સરકાર મૂંગી-બહેરી છે.
પત્રના અંતમાં સીધી ચેતવણી આપવામાં આવી છેઃ ભાજપના ધારાસભ્યનો પત્ર કચરાપેટીમાં નાખ્યો એમ મારો પત્ર ન નાખતા, નહીં તો ગાંધીનગર સુધી રેલો આવશે આ ઉગ્ર પત્ર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને મોરબી-રાજકોટ વિસ્તારના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. હવે જોવાનું એ રહ્યું કે ૧૫ દિવસની આ અલ્ટીમેટમ પછી તંત્ર જાગે છે કે પછી ખરેખર રોડ ચક્કાજામ થાય છે!
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
