News of Tuesday, 2nd December 2025
માંગરોળના લોએજ ગામના યુવાનને હોટેલમાં ગોંધી ચેઇનની લૂંટ ચલાવી, ૧ કરોડ માંગ્યા
જુગારના રવાડે ચડાવી ૬૦ લાખ મેળવી લીધા, બે શખ્સ સામે ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૨ : માંગરોળના લોએજ ગામના યુવાનને જુગારના રવાડે ચડાવી હોટેલમાં ગોંધી રાખી સોનાના ચેઇનની લૂંટ ચલાવી ૧ કરોડ માંગી ધમકી આપી હોવાની ફરિયાદ ૨ શખ્સ સામે થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
૪૦ વર્ષીય હરદાસ રામભાઈ ચાંડેરાની ગઈ તારીખ ૨૨ ઓગસ્ટના રોજ તેના ગામના રામગોવિંદભાઈ નંદાણીયા ઉર્ફે લાલા ગોવાને શીલબારાના મેળામાં મુલાકાત થઈ હતી.
લાલા ગોવાએ તેમની સાથે જુગાર રમવા માટે માનસિક રીતે તૈયાર કરી તે જ રાત્રે ૧૧ વાગ્યે રહીજ ગામે રહેતા ગોપાલકળષ્ણ રામની વાડીએ જુગાર રમવા બોલાવ્યો હતો. ત્યાં લાલા ગોવા, હિતેન ઉર્ફે કાળા ઉર્ફે કાળુ રમેશ વાઢેર, ગોપાલ કરસન રામ, હર્ષિત મનીષ જોટવા જુગાર રમતા હતા અને હરદાસને પણ રમવા બેસાડ્યો હતો. સવારે ચાર વાગ્યા સુધી જુગાર રમ્યો હતો જેમાં યુવક પર રૂપિયા ૪ લાખનું લેણું થયું હતું.
આ રૂપિયા બીજા દિવસે લાલા ગોવાને આપી દીધા હતા ત્યારબાદ સતત ૨૦ દિવસ સુધી લાલા ગોવાના ઘરે અને હોટલે જુગાર રમવા માટે લાલો તથા કાળો તેની સાથે લઈ જતા હતા. ઘરમાં રોકડ ન હોય તેથી બાકીમાં રમવાનું શરૂ કર્યું હતું. લાલા ગોવા અને કાળાએ કાવતરું કરી જુગાર રમાડેલ અને લાલા ગોવાએ ૫૫ લાખ તથા કાળાએ રૂપિયા ૨૦ લાખ ચડાવી દીધા હતા. આ રકમ માટે અવારનવાર દબાણ કરતા ધમકી આપતા યુવક પાસે આપઘાત કરવા સિવાય કોઈ રસ્તો ન હોય અને મોટાભાઈ વકમાતને વાત કરતા તેણે બહેનના સસરા પાસેથી રૂપિયા ૮ લાખ લાવી આપ્યા હતા.
જે રૂપિયા લાલા ગોવાના આપી દીધા હતા તેમ છતાં વધુ રૂપિયા આપવા દબાણ કરી અને વ્યાજે લઈ આપવાનું જણાવ્યું હતું. રામ ઉર્ફે લાલા ગોવિંદ ઉર્ફે ગોવા નંદાણીયા અને હિતેન ઉર્ફે કારો ઉર્ફે કાળુ રમેશ વાઢેર રૂપિયા ૬૦ લાખ ટુકડે ટુકડે મેળવી લઈ વધુ રૂપિયા માટે યુવાન અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી બીજા રૂપિયા ૧,૦૩,૫૦,૦૦૦ની ઉઘરાણી કરી સમાધાન કરી લેવાનું કહી બાકી રૂપિયા આપી દેવા માટે હોટલે બોલાવી ૨ ચેક લખાવી લીધા હતા અને ગોંધી રાખ્યો હતો. હિતેન ઉર્ફે કાળુંએ રૂપિયા દોઢ લાખના ચેનની લૂંટ ચલાવી એટ્રોસિટીની ફરિયાદની ધમકી આપી માર માર્યો હતો. આ બનાવ અંગે યુવકે ગઈકાલે ફરિયાદ કરતા માંગરોળ મરીન પોલીસે તપાસ હાથ ધરી હતી. (૪.૪)
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
