<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

પોરબંદર શહેર-જિલ્લામાં લેબર વર્કરોની ભારે અછતઃ વિદેશમાં કમાવવાનો ક્રેઝ

તાલીમી કારીગરો તૈયાર કરતા ‘‘ટ્રેનિંગ સેન્‍ટરો વધારવા હેલ્‍થ એજયુકેશન ટ્રસ્‍ટ''ના રામદેવભાઇ મોઢવાડિયાનું સૂચન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. રઃ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી લેબર વર્કરોની અછત જોવા મળી રહી છે,ખાસ કરીને ઇલેક્‍ટ્રિશિયન,પ્‍લમ્‍બર, કડિયા, મિષાી વગેરેનો વિદેશ જવાનો ક્રેઝ વધ્‍યો છે તેથી સ્‍થાનિકકક્ષાએ અછત જોવા મળી રહી છે ત્‍યારે આવા સ્‍કીલ બેઝ કોર્સ શરૂ કરવા માટે કોઈએ આગળ આવવું જોઈએ તેવું સુચન હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ રામદેવભાઈ મોઢવાડિયાએ કરીને જણાવ્‍યું હતું કે, વર્તમાન સમયમાં શહેર અને સમગ્ર જિલ્લામાં એક વિચિત્ર પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે.એક તરફ યુવાવર્ગમાં બેરોજગારીની બુમો સંભળાય છે, તો બીજી તરફ સામાન્‍ય નાગરિકોને પોતાના ઘર કે વ્‍યવસાયના રોજિંદા કામ માટે કુશળ કારીગરો  મળવા મુશ્‍કેલ બન્‍યા છે.ખાસ કરીને ઇલેક્‍ટ્રિશિયન, પ્‍લમ્‍બર, મિષાી અને કડિયા કામ જેવા પાયાના વ્‍યવસાયોમાં નિષ્‍ણાંત કારીગરોની ભારે અછત વર્તાઈ રહી છે.

આ ગંભીર સમસ્‍યા તરફ નિર્દેશ કરતા પોરબંદરની અગ્રણી સામાજિક સંસ્‍થા હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ  રામદેવભાઈ મોઢવાડિયાએ આ પરિસ્‍થિતિના કારણો અને ઉપાયો અંગે મહત્‍વના સુચનો કર્યા છે.

રામદેવભાઇએ જણાવેલ કે આ સમસ્‍યાના મુળમાં તપાસ કરીએ તો સૌથી મોટું કારણ કુશળ કારીગરોનો વિદેશ પ્રત્‍યેનો મોહ છે.છેલ્લા એક દાયકામાં પોરબંદર પંથકમાંથી યુવાનો મોટાપાયે રોજગારી અર્થે યુકે, કેનેડા, ઓસ્‍ટ્રેલિયા અને આફ્રિકન દેશો તરફ વળ્‍યા છે. જે કારીગરો પાસે હાથમાં કસબ છે,એટલે કે જેઓ સારા સુથાર, પ્‍લમ્‍બર કે ઇલેક્‍ટ્રિશિયન છે, તેઓને વિદેશમાં મોઢે માંગ્‍યા દામ મળે છે. પરિણામે, અનુભવી અને જુના જોગી જેવા કારીગરો વિદેશ ઉડાન ભરી ગયા છે અથવા તો અન્‍ય મેટ્રો સિટીઝમાં સિફ્‌ટ થઈ ગયા છે.આ ‘‘બ્રેઈન ડ્રેઈન''ની જેમ ‘‘સ્‍કીલ ડ્રેઈન'' (કૌશલ્‍યનું સ્‍થળાંતર) થવાને કારણે પોરબંદર જેવા શહેરોમાં હવે સ્‍થાનિકકક્ષાએ કામ કરવા માટે અનુભવી માણસો મળતા નથી.

 હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ  રામદેવભાઈ મોઢવાડિયાએ સુચન મૂકયું છે. તેમણે જણાવ્‍યું હતું કે, ‘‘હાલની પરિસ્‍થિતિ જોતા  તાલીમી કારીગરો તૈયાર કરતા ટ્રેનિંગ સેન્‍ટર  શરૂ કરવા અત્‍યંત આવશ્‍યક છે. સરકારી આઈ.ટી.આઈ. ચાલે છે, પરંતુ તે ઉપરાંત પણ પ્રાઇવેટ સેક્‍ટર અને સામાજિક સંસ્‍થાઓએ આગળ આવીને શોર્ટ ટર્મ સ્‍કીલ બેઝ કોર્સ શરૂ કરવા જોઈએ.''

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, માત્ર ભણતર જ મહત્‍વનું નથી, પરંતુ જીવનનિર્વાહ માટે ‘‘ગણતર'' અને ‘‘કૌશલ્‍ય'' પણ એટલું જ જરૂરી છે. જો યુવાનોને સ્‍થાનિકકક્ષાએ જ પ્‍લમ્‍બિંગ, ઈલેક્‍ટ્રિકલ વર્ક, એસી રીપેરીંગ, મોબાઈલ રીપેરીંગ, વેલ્‍ડિંગ કે સુથારી કામની પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવે, તો આપણે નવા કુશળ કારીગરોની ફોજ તૈયાર કરી શકીએ છીએ.

આજની યુવા પેઢી માત્ર સરકારી નોકરી કે વાઈટ કોલર જોબ પાછળ દોડે છે, અને જ્‍યારે તે મળતી નથી ત્‍યારે હતાશ થઈને બેસી રહે છે.રામદેવભાઈએ યુવાનોને હાંકલ કરતા જણાવ્‍યું છે કે, કોઈપણ કામ નાનું નથી હોતું.આજે એક સારો પ્‍લમ્‍બર કે ઇલેક્‍ટ્રિશિયન દિવસના ૩૦૦૦ થી ૪૦૦૦ રૂપિયા સુધીની કમાણી આરામથી કરી શકે છે.જો પોરબંદરમાં આવા વ્‍યવસાયલક્ષી કોર્સના તાલીમ કેન્‍દ્રો વધારવામાં આવે, તો એક સાથે બે સમસ્‍યા હલ થઈ શકે છે,સ્‍થાનિક લોકોને સારા કારીગરો સહેલાઈથી મળી રહે.બેરોજગાર યુવાનોને સન્‍માનજનક સ્‍વરોજગારી મળી રહે. 

(1:43 PM IST)